News of Monday, 12th October 2026
મેડિકલમાં એડમિશનનો કરોડોનો ખેલ?
ફી ભરી શકે તેમ ન હોઇ ગુજરાતમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન કન્ફર્મ ન કર્યું : ડમી ઉમેદવારોના નામે સીટો બ્લોક કરીને રૂ. ૧૫થી ૨૫ લાખ કમિશન વસૂલાતું હોવાનો આક્ષેપ : ડમી ઉમેદવારોથી સીટ બ્લોક કરીને ઓછા માર્ક્સવાળાને લાકો રુપિયા લઇ પ્રવેશ અપાવાય છે

મેડિકલમાં પ્રવેશ મેળવવાનું સપનું પૂરું કરવા લાખો રૂપિયા ખર્ચવા પડે છે, પરંતુ ગુજરાતમાં હવે મેડિકલની સીટોનો ખેલ કરોડો રૂપિયા સુધી પહોંચ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. તાજેતરમાં બીજા રાઉન્ડની કાઉન્સેલિગ (Counselling) બાદ મેડિકલમાં સીટ મેળવનારા ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કન્ફર્મ કર્યું નથી. કેટલાક વિદ્યાર્થીઓ વાર્ષિક રૂ. ૩.૫ લાખથી રૂ. ૨૫ લાખ સુધીની ફી ભરી શકે તેમ ન હોવાથી પ્રવેશ લઈ શક્યા નથી. જોકે, મેડિકલ પ્રવેશ પર નજર રાખતા અધિકારીઓના જણાવ્યા મુજબ, આવી ખાલી રહેતી સીટોનો લાભ એજન્ટો ઉઠાવે છે. તેઓ ડમી ઉમેદવારોના નામે સીટો બ્લોક કરીને બાદમાં ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને ઊંચી રકમ લઈને પ્રવેશ અપાવતા હોવાનો આક્ષેપ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા જણાવે છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, એજન્ટોનું એક નેટવર્ક મેનેજમેન્ટ ક્વોટા (Management Quota) હેઠળ મેડિકલમાં પ્રવેશ અપાવવાના નામે રૂ. ૧૫ લાખથી રૂ. ૨૫ લાખ સુધીનું કમિશન માગે છે. આ રીતે મેરિટ પ્રક્રિયામાં ચેડાં કરીને લાયક ઉમેદવારોની પહોંચથી સીટો દૂર રાખવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.
એક કિસ્સામાં અમદાવાદના એજન્ટે મધ્ય ગુજરાતની મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની સીટ કન્ફર્મ કરાવવા રૂ. ૧.૪૦ કરોડ માગ્યા હોવાનું કહેવાય છે. સૂત્રના જણાવ્યા મુજબ, કોલેજમાં વાર્ષિક ફી રૂ. ૨૩ લાખ છે અને પાંચ વર્ષના અભ્યાસક્રમની કુલ ફી રૂ.૧.૧૫ કરોડ થાય છે. બાકીના રૂ. ૨૫ લાખ એજન્ટનું કમિશન હોવાનું સૂત્રે જણાવ્યું હતું.
એક મીડિયાના એક પત્રકારે નીટ (NEET)માં ૭૨૦માંથી માત્ર ૨૩૨ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી તરીકે સેટેલાઇટ વિસ્તારમાં ઓફિસ ધરાવતા એજન્ટના મધ્યસ્થીનો સંપર્ક કર્યો હતો. તેણે મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટે રૂ. ૧.૪૦ કરોડ માગ્યા હતા. એજન્ટે એમ પણ કહ્યું હતું કે ઓછી ફીવાળી સીટ મળે તો પણ તેનું કમિશન એટલું જ રહેશે. તેણે દાવો કર્યો હતો કે ગયા વર્ષે તેણે ઓછામાં ઓછા ૧૦૦ મેડિકલ એડમિશન અપાવ્યાં હતાં.
ગેરરીતિથી પરિચિત સૂત્રે જણાવ્યું હતું કે એજન્ટો શરૂઆતમાં રૂ. ૫ લાખ લે છે. ત્યારબાદ ઉમેદવારની નીટની માર્કશીટ, લોગિન આઈડી અને પાસવર્ડ મેળવીને પ્રવેશ ફોર્મ પોતે ભરે છે. કેટલાક એજન્ટો એવા વિદ્યાર્થીઓના નામે એમબીબીએસ માટે (MBBS) ૨૦૦થી ૪૦૦ ડમી અરજીઓ કરે છે, જેઓ ઊંચી ફીને કારણે તે વર્ષે પ્રવેશ લેવા માગતા નથી અથવા ફરી નીટ આપવાની તૈયારીમાં હોય છે.
સૂત્રના જણાવ્યા મુજબ, આ ડમી ઉમેદવારોના નામે સીટ પર દાવો કરવામાં આવે છે, પરંતુ પછી તેઓ પ્રવેશ લેતા નથી. પરિણામે રિશફલિગ થાય છે અને ઓછા માર્ક્સ ધરાવતા ઉમેદવારને મેનેજમેન્ટ ક્વોટાની સીટ પર પ્રવેશ મેળવવાની તક મળે છે.
સૂત્રોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ હોતી નથી કે તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને કાઉન્સેલિગ દરમિયાન તેમના નામે સીટનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓને આ ગેરરીતિની જાણ હોય તો પણ તેમને સામાન્ય રીતે કોઈ પ્રોત્સાહક રકમ મળતી નથી, કારણ કે તેમની ભૂમિકા માત્ર થોડા સમય માટે સીટ રોકી રાખવા પૂરતી હોય છે.
મેડિકલ પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને આવી ગેરરીતિઓ અંગે જાણ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. આ મામલે નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
