<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા બે લાખ જવાનોનો લોખંડી બંદોબસ્ત

૩ જુલાઈથી યાત્રા શરૂ, ૨૮ ઓગસ્ટ રક્ષાબંધને પૂર્ણ: રજીસ્ટ્રેશન ચાલુ: આ પવિત્ર યાત્રા ૫૭ દિવસ ચાલશે: તાજેતરના હુમલાઓ અને આતંકી ષડયંત્રને પગલે ત્રિસ્તરીય સુરક્ષા કવચ, હાઈ એલર્ટ જારી

 

 

શ્રીનગર: આ વર્ષની પવિત્ર અમરનાથ યાત્રાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત તેજ કરી દીધી છે.

યાત્રાના રૂટ પર લખનપુર પ્રવેશદ્વારથી લઈને પવિત્ર ગુફા સુધી જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, સીઆઈએસએફ અને આઈટીબીપી સહિતના ૭૦ હજારથી લઈને દોઢ લાખ જેટલા અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે. સેનાના જવાનોને પણ બાહ્ય વિસ્તારોની સુરક્ષા સોંપવામાં આવી છે.

આમ, કુલ મળીને બે લાખથી વધુ સુરક્ષાકર્મીઓની ચાંપતી નજર હેઠળ આ વખતની યાત્રા યોજાશે અને ભક્તો માટે કડક બંદોબસ્ત રહેશે.

અમરનાથ યાત્રા ૨૦૨૬: શરૂઆત અને પૂર્ણ થવાની તારીખો: શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (એસ એ એસ બી) દ્વારા વર્ષ ૨૦૨૬ માટેની પવિત્ર અમરનાથ યાત્રાની સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષનો કાર્યક્રમ નીચે મુજબ છે:

યાત્રા શરૂ થવાની તારીખ:
૩ જુલાઈ, ૨૦૨૬
 
યાત્રા પૂર્ણ થવાની તારીખ:
૨૮ ઓગસ્ટ, ૨૦૨૬
(રક્ષાબંધનના પવિત્ર દિવસે)

આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન માટેની આ પવિત્ર યાત્રા કુલ ૫૭ દિવસ સુધી ચાલશે.

યાત્રાળુઓ માટે યાત્રાનું એડવાન્સ રજીસ્ટ્રેશન ૧૫ એપ્રિલ, ૨૦૨૬ થી શરૂ કરી દેવામાં આવ્યું છે.

તાજેતરમાં થયેલા ટાર્ગેટ કિલિંગના બનાવો અને ગુપ્તચર એજન્સીઓના ઇનપુટને પગલે વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.

પાકિસ્તાન સ્થિત આતંકી આકાઓ યાત્રા માર્ગ અને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હોવાની માહિતી મળતા કઠુઆ, અનંતનાગ, પહલગામ, ગાંદરબલ અને બાલટાલ સહિતના તમામ મુખ્ય પડાવો પર ત્રિસ્તરીય સુરક્ષા નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ વધારાની સુરક્ષા ટુકડીઓ પણ કાશ્મીરમાં મોકલવામાં આવશે. પ્રવાસીઓને પણ સતર્ક રહેવા અને શંકાસ્પદ ગતિવિધિની જાણ તંત્રને કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

(9:53 AM IST)