તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
અમેરિકા સાથેની શાંતિ વાર્તાલાપના ઈરાન નાં સૂર બદલાયા : ઈરાને પરમાણુ કરારની નરોવા કુંજરોવા નીતિ અપનાવી યુએસ સાથે કોઈ પણ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો
યુરેનિયમ સોંપવાની વાતને બકવાસ ગણાવી ઈરાને હોર્મોઝ સ્ટ્રેટમાં ટેક્સ વસૂલાત યથાવત રાખવાની જીદ પકડી : વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને ઇઝરાયેલમાં નેતન્યાહુએ પરમાણુ ખતરો નાબૂદ કરવા રણનીતિ ઘડી

નવી દિલ્હી : મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયા અને ડિપ્લોમેટિક વાર્તાલાપ પર અચાનક જ કટોકટીના વાદળો ઘેરાયા છે. ઈરાને અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની પરમાણુ છૂટછાટ આપવાનો કે પોતાના યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર અને આકરા નિવેદનમાં જાહેરાત કરી છે કે, “અમે અમેરિકા સાથે કોઈ પણ કરાર પર હસ્તાક્ષર કરવાના નથી.” એટલું જ નહીં, ઈરાની સત્તાવાળાઓએ તસ્નીમ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે જો અમેરિકા પોતાની શરતો પર અડી રહેશે, તો તે આગામી સમયમાં આ આખી શાંતિ વાર્તાલાપને સત્તાવાર રીતે રદ (કેન્સલ) પણ કરી શકે છે. આ આકરા વલણને કારણે વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર તણાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા ઈરાનને કડક સંદેશ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, “જો હું ઈરાન સાથે કોઈ કરાર કરીશ, તો તે માત્ર એક સારો અને યોગ્ય કરાર જ હશે. આ કરાર હજી સંપૂર્ણ રીતે નેગોશિયેટ થયો નથી.” ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વાર્તાકારોને પણ આ બાબતે ઉતાવળ ન કરવાની કડક સૂચના આપી છે અને ચેતવણી આપી છે કે જ્યાં સુધી કોઈ યોગ્ય અને ન્યાયી કરાર નહીં થાય ત્યાં સુધી અમેરિકા દ્વારા દરિયાઈ માર્ગે લાદવામાં આવેલી સૈન્ય નાકાબંધી (બ્લોકેડ) યથાવત રાખવામાં આવશે. આ દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ પણ રવિવારે જણાવ્યું હતું કે તેઓ અને ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત પર સંપૂર્ણ સહમત છે કે ઈરાન સાથેના કોઈ પણ અંતિમ કરારમાં પરમાણુ ખતરાને જળમૂળથી નાબૂદ કરવો જ પડશે.
ઈરાનનું આ નવું નિવેદન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશાવાદથી બિલકુલ વિપરીત છે. નવી દિલ્હીની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને આશા હતી કે ગત રાત્રે અથવા આજે કોઈ સારા સમાચાર મળી શકે છે. હોર્મોઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ખુલ્લો કરવા બાબતે અમારી પાસે એક મજબૂત પ્રસ્તાવ ટેબલ પર તૈયાર છે.” પરંતુ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકેઇએ અમેરિકાની આ આશા પર પાણી ફેરવતા સાફ કર્યું છે કે, “ચર્ચા હેઠળના મોટાભાગના મુદ્દાઓ પર અમે એક નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ તે વાત સાચી છે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ કરાર પર હસ્તાક્ષર થવાના છે. કોઈ પણ વ્યક્તિ કરાર નજીક હોવાનો દાવો કરી શકે નહીં.”
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાનનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ (યુરેનિયમ એનરિચમેન્ટ પ્રોગ્રામ) મુખ્ય અવરોધ બનીને ઉભો રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલ ઈચ્છે છે કે ઈરાન પોતાના યુરેનિયમનો જથ્થો અન્ય દેશને સોંપી દે અથવા તેના પર કડક પ્રતિબંધો સ્વીકારે, જેથી તે ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવી શકે. જો કે, ઈરાને તેની રેડ લાઈન સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અંગે કોઈ પણ ચર્ચા પ્રાથમિક કરાર થઈ ગયા બાદ જ કરવામાં આવશે. આ ઉપરાંત, હોર્મોઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ઈરાન દ્વારા વસૂલવામાં આવી રહેલો મનસ્વી ટેક્સ પણ મોટો વિવાદ જગાવી રહ્યો છે. એપ્રિલ માસમાં યુદ્ધવિરામ થયા બાદ પણ ઈરાન ત્યાંથી પસાર થતા જહાજો પાસેથી સર્વિસ ફીના નામે ટેક્સ ઉઘરાવી રહ્યું છે, જેને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓએ ગેરકાયદેસર અને અસ્વીકાર્ય ગણાવ્યો છે.
આ વૈશ્વિક રાજદ્વારી કટોકટી વચ્ચે પાકિસ્તાન અને ચીન પણ શાંતિ સ્થાપવા માટે સક્રિય બન્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ સોમવારે બેઇજિંગ ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર સાથે એક મહત્વપૂર્ણ બેઠકમાં સહભાગી થયા હતા. આ બેઠક દરમિયાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે, “વિશ્વ હાલમાં એક અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ બાબતો સાચી દિશામાં આગળ વધી રહી છે. શાંતિને પ્રોત્સાહન આપવા માટે ચીન જે સહયોગ આપી રહ્યું છે તેનો હું આભાર માનું છું.” જો કે, આ મધ્યસ્થતાના પ્રયાસો છતાં વૈશ્વિક તેલ બજાર (ઓઈલ માર્કેટ) માં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. અગાઉ કરારની આશાએ બ્રેન્ટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ (WTI) ના ભાવ ૫ ટકા જેટલા ગગડ્યા હતા, પરંતુ ઈરાનના આ તાજા નકારાત્મક વલણને કારણે તેલ બજારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
