તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ફ્લાયદુબઈ વિમાન ઘટનામાં ઈરાનનો સનસનાટીભર્યો દાવો: ઈઝરાયલ-યુએઈનું 'ષડયંત્ર'? નેતન્યાહુ અને શેખ મોહમ્મદ પર 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન'નો મોટો આક્ષેપ!
ઈઝરાયલ-ઈરાન વચ્ચે નવા યુદ્ધનું બહાનું શોધવા રચાયું કાવતરું: કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી વચ્ચે તેહરાને ફ્લાયદુબઈની ઘટનાને ગણાવી પૂર્વ-આયોજિત વ્યૂહરચના

તેહરાન, તા.02: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ (FZ-1073)ના કોકપિટમાં ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલા અને વિમાનને ક્રેશ થતાં બચાવવાની ભયાનક ઘટનામાં હવે એક નવો અને અત્યંત ગંભીર આંતરરાષ્ટ્રીય રાજકીય વળાંક આવ્યો છે. ઈરાને આ સમગ્ર ઘટનાક્રમને ઈઝરાયલ અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની મિલીભગત ગણાવીને આક્ષેપ કર્યો છે કે, આ વિમાન દુર્ઘટના ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ-નાહયાન (MBZ) દ્વારા ઘડવામાં આવેલું એક પૂર્વ-આયોજિત 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન' (False Flag Operation) હતું.
નેતન્યાહુની અબુ ધાબીની ગુપ્ત મુલાકાતનો દાવો
ઈરાનના સરકારી મીડિયા અહેવાલો અનુસાર, આ કથિત ઘટનાના બરાબર એક દિવસ પહેલા નેતન્યાહુએ અબુ ધાબીની ગુપ્ત મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ બિન ઝાયદ સાથે બંધ બારણે બેઠક યોજી હતી. તેહરાનનો આક્ષેપ છે કે, નેતન્યાહુ પોતાની ખરડાયેલી આંતરરાષ્ટ્રીય છબિ સુધારવા અને ઈરાન સામે ફરીથી મોટા પાયે લશ્કરી સંઘર્ષ છેડવા માટેનું બહાનું શોધવા માગે છે. આ યોજના હેઠળ ફ્લાયદુબઈની ફ્લાઈટમાં આતંકવાદી હુમલા જેવી ગંભીર સ્થિતિ ઊભી કરીને તેનું કનેક્શન ઈરાન સાથે જોડવાનો પ્લાન હતો.
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને પીએમ મોદી અને ટ્રમ્પે કર્યા સલામ
બીજી તરફ, ફ્લાઈટ દરમિયાન જ્યારે કો-પાઈલટે અચાનક વિમાનને ક્રેશ કરવાની કોશિશ કરી ત્યારે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત દાખવીને તેને રોક્યો હતો. ચાકુથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં અને વિમાન માત્ર ૨ મિનિટમાં ૧૭,૪૦૦ ફૂટ નીચે આવી ગયું હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટ પર નિયંત્રણ મેળવ્યું હતું. સંકટ સમયે હનુમાન ચાલીસાના પાઠ કરનાર કેપ્ટન સ્મિત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ પર વાત કરી તેમની અદ્ભુત હિંમતને બિરદાવી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુએ પણ તેમના સાહસને સલામી આપી હતી.
શું હોય છે 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન'?
આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્ય પરિભાષામાં 'ફોલ્સ ફ્લેગ' એવી ઘટનાને કહેવાય છે જે કાં તો સંપૂર્ણપણે બનાવટી હોય છે અથવા તેને ગેરમાર્ગે દોરતી રીતે રજૂ કરવામાં આવે છે, જેથી અન્ય કોઈ દેશ કે સંગઠન પર દોષનો ટોપલો ઢોળીને તેની સામે વળતી સૈન્ય કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય. ઈરાનના આ સનસનાટીભર્યા દાવા સામે હજુ સુધી ઈઝરાયલ કે યુએઈ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
