<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

અમેરિકાના હુમલાથી ઈરાનનું સેમનાન એરપોર્ટ ધ્રુજી ઉઠયું

હોર્મુઝની નાકાબંધી થતાં વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર! ઈરાને તેને અસ્‍તિત્‍વની જંગ ગણાવી અમેરિકન સૈન્‍ય બેઝ પર ડ્રોન અને મિસાઈલો છોડયા

તેહરાન, તા.૧૬: પヘમિ એશિયા ફરી એકવાર ભયાનક યુદ્ધની જ્‍વાળાઓમાં લપેટાયું છે. ગયા શનિવારે નાજુક યુદ્ધવિરામ તૂટયા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્‍યો છે, જ્‍યારે ઈરાને વૈશ્વિક વેપારની જીવાદોરી ગણાતી હોર્મુઝ સ્‍ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દીધી. આ જાહેરાતના જવાબમાં યુએસ સેન્‍ટ્રલ કમાન્‍ડે મધ્‍યરાત્રિએ બરાબર ૩:૩૦ વાગ્‍યે ઈરાનના ગ્રેટર તુનબ ટાપુ પર આવેલા ક્રુઝ મિસાઈલ સંગ્રહ સ્‍થાનો અને દરિયાકાંઠાના સંરક્ષણ મથકો પર એક પછી એક ભયાનક હવાઈ હુમલા કર્યા હતા. માત્ર ૯૦ મિનિટમાં પ્રથમ ઓપરેશન પૂરું કર્યાના ગણતરીના કલાકોમાં જ સેમનાન એરપોર્ટ સહિત અહવાઝ અને બંદર અબ્‍બાસના વિસ્‍તારો પર અમેરિકી ગોળાઓ વરસ્‍યા હતા, જેના કારણે સેમનાન એરપોર્ટનો મોટો હિસ્‍સો બરબાદ થઈ ગયો છે અને સમગ્ર વિસ્‍તાર ધ્રુજી ઉઠ્‍યો છે.

આ સૈન્‍ય કાર્યવાહી માત્ર હવાઈ હુમલા પૂરતી સીમિત ન રહી, પરંતુ અમેરિકાએ ઈરાનના દરિયાઈ બંદરો પર કડક નૌકાદળ નાકાબંધી લાદી દીધી છે. વારંવારની ચેતવણીઓ છતાં ખાર્ગ ટાપુ તરફ આગળ વધી રહેલા એક ઈરાની ઓઈલ ટેન્‍કરને યુએસ નેવીએ મિસાઈલ મારીને દરિયાની વચ્‍ચે જ નકામું કરી દીધું હતું. આ આક્રમક પગલાંથી ગુસ્‍સે ભરાયેલા ઈરાને આ લડાઈને અમેરિકા સામેની અસ્‍તિત્‍વ માટેની લડાઈ જાહેર કરી છે અને પ્રાદેશિક ઉર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ્‍પ કરવાની ધમકી આપી છે. હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ એક જ મહિનામાં સર્વોચ્‍ચ સપાટીએ પહોંચી ગયા છે, જેણે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે મોટા આર્થિક સંકટના એંધાણ આપ્‍યા છે.

બીજી તરફ, ઈરાનની ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સએ વળતો પ્રહાર કરતા બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્‍કરી મથકોને નિશાન બનાવ્‍યા હોવાનો દાવો કર્યો છે. કુવૈતે સત્તાવાર રીતે જણાવ્‍યું કે તેમણે ઈરાન તરફથી આવેલા ૪ ઘાતક મિસાઈલ અને ૨૧ સસાઈડ ડ્રોનને હવામાં જ તોડી પાડ્‍યા છે. આ ભયાનક સૈન્‍ય તણાવ વચ્‍ચે પણ ઈરાને પોતાની અટકાયતમાં રહેલા એક અમેરિકી નાગરિકને મુક્‍ત કરીને મુત્‍સદ્દીગીરીનો દરવાજો ખુલ્લો રાખ્‍યો છે. જો કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે દાવો કર્યો છે કે ઈરાન ઘૂંટણિયે પડી જશે અને ટૂંક સમયમાં સોદો કરવા માટે આતુર છે. પરંતુ યુએસ મીડિયાના અહેવાલો મુજબ, ટ્રમ્‍પ પ્રશાસન ઈરાન પર જમીની આક્રમણ કરવાની અને હોર્મુઝના ટાપુઓ પર સૈનિકો ઉતારીને પિકાક્‍સ પર્વત પર ભીષણ બોમ્‍બમારો કરવાની ગુપ્ત યોજના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

(11:37 AM IST)