<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

ઈરાનનો વિજ્ઞાન જગતમાં ખૌફનાક દાવો: જીવંત માનવ કોષોમાંથી બનાવ્યું સુપરકમ્પ્યુટરથી પણ તેજ ‘આર્ટિફિશિયલ મગજ’

AI ને પાછળ છોડી દેનારી ‘બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ’ ટેકનોલોજી વિકસાવતા અમેરિકા સહિત પશ્ચિમી દેશો ચિંતિત, સૈન્ય અને ચિકિત્સા ક્ષેત્રે મોટા ફેરફારની આશંકા

તેહરાન:મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં જીવંત માનવીની નસોના કોષો (Live Human Neurons)ની મદદથી એક નાનું ‘આર્ટિફિશિયલ મગજ’ તૈયાર કરીને વિજ્ઞાન જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો હોવાનો દાવો કર્યો છે. ‘બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ’ (BI) તરીકે ઓળખાતી આ ક્રાંતિકારી ટેકનોલોજી કોઈ સામાન્ય સોફ્ટવેર નથી, પરંતુ એક જીવંત નેટવર્ક છે જે માણસની જેમ આપમેળે નિર્ણયો લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે, જેના કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ઈરાનની બ્રેન રિસર્ચ ટીમના ચીફ અતાઉલ્લાહ પોર-અબ્બાસીના જણાવ્યા અનુસાર, ઈરાને શરીરની બહાર નસોના જીવંત કોષોને વિકસિત કરવાની ટેકનોલોજી સંપૂર્ણપણે ઘરેલુ સ્તરે મેળવી લીધી છે. આ બાયોલોજિકલ પ્રોસેસરની કામ કરવાની ઝડપ આજના આધુનિક સુપરકમ્પ્યુટર કરતાં કરોડો ગણી વધારે છે અને તે સામાન્ય સિલિકોન ચિપના મુકાબલે અંદાજે ૧૦ લાખ ગણી ઓછી વીજળી (માત્ર મુઠ્ઠીભર કેલરી) વાપરીને કામ કરે છે. ઈરાનની એક નોલેજ-બેઝ્ડ કંપનીએ આ જીવંત મગજનું પ્રારંભિક મોડલ સફળતાપૂર્વક તૈયાર પણ કરી લીધું છે.

આજકાલ ચર્ચામાં રહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માત્ર એક બેજાન સોફ્ટવેર પ્રોગ્રામ છે, જેને કોડિંગ અને અબજો ડેટા ફીડ કર્યા પછી માણસની નકલ કરતા શીખવવામાં આવે છે. તેની સરખામણીએ ઈરાનનું BI સીધું જ જીવંત માનવ ન્યુરોન્સથી બનેલું હોવાથી તેને કોઈ માનવીય કોડિંગની જરૂર પડતી નથી. તે એક નાના બાળકની જેમ પોતાના અનુભવો અને આસપાસના માહોલમાંથી આપમેળે નવી વસ્તુઓ શીખે છે તથા એક સાથે અનેક નિર્ણયો (Parallel Processing) લેવાની ક્ષમતા ધરાવે છે.

વૈજ્ઞાનિકોના મતે, ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ નામની આ અદભુત ટેકનોલોજી જો એકતરફ ચિકિત્સા વિજ્ઞાનમાં જટિલ મગજના રોગોના ઈલાજ માટે ક્રાંતિ લાવી શકે છે, તો બીજી તરફ તેનો સૈન્ય ક્ષેત્રે દુરુપયોગ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ભવિષ્યમાં જો આ ટેકનોલોજી ખોટા હાથોમાં જશે તો તે માનવ મગજ જેવી ચતુરાઈ અને મશીનો જેવી ક્રૂરતા ધરાવતા ડિજિટલ કે રોબોટિક સૈનિકોને જન્મ આપી શકે છે. વૈશ્વિક સ્તરે આ ટેકનોલોજીના નિયમન માટે આગામી સમયમાં કડક આંતરરાષ્ટ્રીય કાયદાઓ ઘડવા અનિવાર્ય બનશે.

(11:00 AM IST)