News of Friday, 13th November 2026
ઈરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી: લશ્કરી કાર્યવાહી કરાશે તો ભયાનક અને પીડાદાયક પરિણામ ભોગવવા તૈયાર રહેજો
હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા દરિયાઈ તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડરની કડક પ્રતિક્રિયા, ગેસ કેરિયર જહાજમાં વિસ્ફોટ થયો હોવાનો પણ દાવો.

તેહરાન : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના ચીફ કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદીએ તેહરાન ખાતેથી અમેરિકાને ઈરાન સામે કોઈપણ પ્રકારની લશ્કરી કાર્યવાહી ન કરવા માટે ખુલ્લી ચેતવણી આપી છે.
સત્તાવાર નિવેદનમાં જનરલ વાહિદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દુશ્મને પોતાની વારંવાર થતી હારમાંથી પાઠ શીખવો જોઈએ, અને જો ઈરાન વિરુદ્ધ ભવિષ્યમાં કોઈપણ નાની કે મોટી આક્રમક કાર્યવાહી કરવામાં આવશે તો તેનો અત્યંત કડક અને પીડાદાયક હુમલાઓ દ્વારા જવાબ આપવામાં આવશે.
આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ગતિવિધિઓને લઈને ઈરાની નૌકાદળ દ્વારા નવી સુરક્ષા ચેતવણીઓ જારી કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
આઈઆરજીસી નેવીના જણાવ્યા અનુસાર, વારંવારની ચેતવણીઓને અવગણીને એક લિક્વિફાઇડ ગેસ કેરિયર જહાજે હોર્મુઝના દક્ષિણ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ અત્યંત ખતરનાક અને અનધિકૃત ગતિવિધિ ગણાવી હતી.
નૌકાદળ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રયાસ દરમિયાન જહાજ દરિયાઈ સુરંગ એટલે કે નેવલ માઈન સાથે અથડાયું હતું, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ થયો હતો, જોકે આ જહાજની માલિકી કોની છે કે તેમાં કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.
મધ્ય પૂર્વના આ સંવેદનશીલ દરિયાઈ માર્ગ પર બનેલી આ ઘટનાઓ બાદ વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય જહાજ વ્યવહાર પર તેની કેવી અસર પડે છે તેના પર સૌની નજર રહેશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
