News of Monday, 25th May 2026
અમેરિકાને પછાડવા ઈરાનની નવી ચાલ: હોર્મુઝ સ્ટ્રેટમાં 'ટોલ ટેક્સ' નહીં : હવે વસૂલાશે 'પર્યાવરણ અને સુરક્ષા કર'
અમેરિકા સાથેના પરમાણુ કરારની શરતો વચ્ચે ઈરાને વચગાળાનો રસ્તો શોધ્યો

તેહરાન: વૈશ્વિક રાજકારણ અને આર્થિક મોરચે અમેરિકાને આડકતરી ટક્કર આપવા માટે ઈરાને એક નવી અને સ્માર્ટ વ્યુહરચના અપનાવી છે. અમેરિકા સાથે થનારા વચગાળાના પરમાણુ કરારની ચર્ચાઓ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પૈકીના એક એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માંથી પસાર થતા જહાજો પાસેથી કોઈ 'ટોલ ટેક્સ' વસૂલશે નહીં. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગાઈએ સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પશ્ચિમી મીડિયા ઈરાનને બદનામ કરવા માટે 'ટોલ ટેક્સ' શબ્દનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે, ઈરાન ટોલ ટેક્સ નહીં વસૂલે પરંતુ જહાજોની સુરક્ષા અને દરિયાઈ પર્યાવરણની જાળવણીના નામે ચાર્જ ચોક્કસપણે વસૂલશે.
આ વિવાદ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે થનારો વચગાળાનો પરમાણુ કરાર છે, જેના અંતર્ગત અમેરિકાએ ઈરાન પર હોર્મુઝ માર્ગ પર ટોલ વસૂલવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. આ શરતના બદલામાં અમેરિકા ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હટાવશે અને તેનું જપ્ત થયેલું ભંડોળ પરત કરશે. આ પ્રતિબંધોમાંથી બચવા માટે ઈરાને નવો પલટો માર્યો છે. ઈરાનનું કહેવું છે કે કરાર બાદ આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ સંપૂર્ણપણે ખુલ્લો રહેશે, પરંતુ ઈરાની સેના (IRGC) દ્વારા જહાજોને જે સુરક્ષા સેવાઓ આપવામાં આવે છે અને સમુદ્રને સ્વચ્છ રાખવા માટે જે ખર્ચ થાય છે, તેના માટે 'પર્યાવરણીય અને સુરક્ષા કર' લેવામાં આવશે. આ અંગે ઈરાન ખૂબ જ ટૂંક સમયમાં પાડોશી દેશ ઓમાન સાથે મળીને એક નવો સત્તાવાર પ્રોટોકોલ જાહેર કરવા જઈ રહ્યું છે.
ભૌગોલિક દ્રષ્ટિએ હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફ (ઈરાની અખાત) નું પ્રવેશદ્વાર છે, જ્યાંથી સમગ્ર વિશ્વના કુલ ૨૦ ટકા તેલનો પુરવઠો પસાર થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને ઈરાક જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પોતાના આર્થિક અસ્તિત્વ માટે આ જ માર્ગ પર નિર્ભર છે. અગાઉ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી આ માર્ગ મફત હતો, પરંતુ અમેરિકા સાથેના તણાવ બાદ ઈરાને અહીં પ્રતિ જહાજ અંદાજે ₹૧૦ લાખનો સુરક્ષા ટેક્સ લાદી દીધો હતો, જેમાં ભારત, ચીન અને પાકિસ્તાનના જહાજોને મુક્તિ આપવામાં આવી હતી. હવે જ્યારે અમેરિકા સાથે સત્તાવાર સમજૂતી થવા જઈ રહી છે, ત્યારે ઈરાને કરારની શરતોનું ઉલ્લંઘન કર્યા વિના પોતાની કમાણી ચાલુ રાખવા માટે આ પર્યાવરણીય કરનો નવો દાવ ખેલ્યો છે, જેનાથી પશ્ચિમી દેશો ફરી ચિંતામાં મુકાયા છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
