<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ઈરાનના નવા સંરક્ષણ પ્રધાનનો ટ્રમ્પને સીધો પડકાર : જો બોમ્બ ફેંકશો તો સૈનિકો શબપેટીઓમાં પાછા ફરશે

8 મહિના બાદ સંસદ દ્વારા નિમણૂક પામેલા મેહરાદ અખલાકીએ પદ સંભાળતા જ અમેરિકાને આપી વિનાશક પરિણામોની ચેતવણી

તેહરાન: ઈરાનમાં આઠ મહિનાની લાંબી રાહ જોયા બાદ સંસદે રવિવારે મેહરાદ અખલાકી કેતાબચીના નામને દેશના નવા સંરક્ષણ પ્રધાન તરીકે મંજૂરી આપી છે. પદ સંભાળતાની સાથે જ નવા સંરક્ષણ પ્રધાન મેહરાદ અખલાકીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અત્યંત આક્રમક વલણ અપનાવતા ખુલ્લો પડકાર ફેંક્યો છે. અખલાકીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો યુએસ સૈન્ય દ્વારા ઈરાન વિરુદ્ધ કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરવાની હિંમત કરવામાં આવશે, તો તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે અને ઈરાની લોકો તથા ઇસ્લામના રક્ષકો તરફથી મળનારો જવાબ આઘાતજનક અને વિનાશક હશે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ચેતવણી આપતા અખલાકીએ જણાવ્યું હતું કે, "અમેરિકાએ પોતાના સૈનિકોને સલામત વિસ્તારોમાંથી પાછા ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો ઈરાનની ધરતી પર એક પણ બોમ્બ ફેંકવામાં આવશે, તો અમેરિકાએ વિચારવું પડશે કે તેના કેટલા સૈનિકો તેમની અંતિમ યાત્રા માટે શબપેટીઓમાં પાછા ફરશે." નોંધનીય છે કે તાજેતરમાં યુએસ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર યુએસ સૈન્ય ઈરાનની પરમાણુ સુવિધાઓ પર સૌથી મોટો બિન-પરમાણુ બોમ્બ "GBU-43/B" (મધર ઓફ ઓલ બોમ્બ્સ) ફેંકવાની યોજના પર વિચાર કરી રહ્યું છે. આ અહેવાલો સામે આવ્યા બાદ ઈરાન તરફથી આ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી છે.


નવા સંરક્ષણ પ્રધાન મેહરાદ અખલાકીએ માજિદ ઇબ્ને અલ-રેઝાનું સ્થાન લીધું છે. ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસિરઝાદેહના મોત બાદ માજિદ ઇબ્ને અલ-રેઝાએ કામચલાઉ ધોરણે આ પદ સંભાળ્યું હતું. નવા સંરક્ષણ પ્રધાન અખલાકી દાયકાઓથી ઈરાનના એરોસ્પેસ અને મિસાઇલ કાર્યક્રમો સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે. પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે દેશના લશ્કરી માળખાને વધુ મજબૂત બનાવવા અને આધુનિક સંરક્ષણ તકનીકોના વિકાસને ઝડપી બનાવવાની હાકલ કરી છે.

બીજી તરફ, આ વધતા વૈશ્વિક તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. 20 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈને જઈ રહેલું એક વિશાળ ઓઇલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાં લેન્ડમાઇન (દરિયાઈ ખાણ) સાથે અથડાયા બાદ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ ઘટનાને કારણે મધ્ય પૂર્વના દરિયાઈ વિસ્તારમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિ વધુ ગંભીર અને નાજુક બની છે.

(7:00 PM IST)