તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
ઈરાનનું ‘માસ્ટરસ્ટ્રોક’ કે મડાગાંઠ? હોર્મુઝ ખોલવા પાકિસ્તાન દ્વારા ટ્રમ્પને મોકલ્યો ગુપ્ત સંદેશ : પરમાણુ મુદ્દે મૌન
ઈસ્લામાબાદમાં પકાયેલી ખીચડી શું તેહરાન-વોશિંગ્ટન વચ્ચેનો બરફ ઓગાળશે? હોર્મુઝમાં ફસાયેલા વેપારને મુક્ત કરવા ઈરાન તૈયાર, પણ ટ્રમ્પની શરતો અને કુશનરની રદ થયેલી મુલાકાતે વધાર્યું સસ્પેન્સ

વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં છવાયેલા યુદ્ધના વાદળો વચ્ચે ઈરાને એક મોટી રાજદ્વારી ચાલ ચાલી છે. ઈરાને પાકિસ્તાનના માધ્યમથી અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'હોર્મુઝને ફરીથી ખોલવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે આ પ્રસ્તાવમાં ઈરાને વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમને હાલ પૂરતો બાજુ પર રાખી દીધો છે. પાકિસ્તાન અત્યારે આ બંને કટ્ટર દુશ્મન દેશો વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આ પ્રસ્તાવ ઠંડે બસ્તે જાય તેવું જણાઈ રહ્યું છે.
અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. ટ્રમ્પનું માનવું છે કે જો પરમાણુ મુદ્દાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવે, તો ઈરાન પરનું આંતરરાષ્ટ્રીય દબાણ હળવું થઈ જશે. અમેરિકા ખાસ કરીને ઈરાનના યુરેનિયમ ભંડારને લઈને ચિંતિત છે, જે અણુબોમ્બ બનાવવાના સ્તર સુધી પહોંચવાની તૈયારીમાં છે. હોર્મુઝની નાકાબંધીને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવ આસમાને છે, જે અમેરિકાના અર્થતંત્ર માટે પણ માથાનો દુખાવો છે, છતાં ટ્રમ્પ કોઈ પણ ભોગે ઈરાન સામે નરમ પડવા તૈયાર નથી.
બીજી તરફ, પાકિસ્તાનની મધ્યસ્થીના પ્રયાસોને પણ મોટો ફટકો પડ્યો છે. ગયા અઠવાડિયે ઈસ્લામાબાદમાં યોજાનારી યુએસ-ઈરાન શાંતિ વાટાઘાટો છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનરની પાકિસ્તાન મુલાકાત અટકાવી દીધી હતી, જેનાથી ઈરાની પ્રતિનિધિમંડળ નિરાશ થઈને પરત ફર્યું હતું. હાલમાં સ્થિતિ એવી છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે તો મોંઘવારી વધે છે અને જો ખૂલે તો ઈરાનને આર્થિક ઓક્સિજન મળે છે. આ પેચીદા મામલે હવે આખી દુનિયાની નજર વ્હાઈટ હાઉસના આગામી પગલા પર ટકેલી છે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
