News of Wednesday, 15th April 2026
ટ્રમ્પ-મેલોનીના ઝઘડામાં ઈરાનની 'ઘી હોમવાની' ચાલ: અમેરિકાના બદલે ઈરાન સાથે દોસ્તી કરવા ઇટાલીને ઓફર, આઈસ્ક્રીમ પર ૨૦૦૦ વર્ષ જૂના 'કોલ્ડ વોર'નો આપ્યો હવાલો!
પોપના મુદ્દે ટ્રમ્પ અને ઇટાલી વચ્ચે તિરાડ પડતા જ ઈરાનનું 'મીમ વોર' શરૂ; અમેરિકાને સાથી તરીકે હટાવી 'જગ્યા ખાલી' કરવા વ્યંગાત્મક અરજી, ટ્રમ્પને "દુઃખના કમાન્ડર" કહી ઉડાવી મજાક

રોમ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે પોપ લીઓ XIV ને લઈને ફાટી નીકળેલો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મજાકનો વિષય બન્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા સાથે યુદ્ધ લડી રહેલા ઈરાને આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ઇટાલીને અમેરિકાનો સાથ છોડી ઈરાન સાથે જોડાવા માટે એક રમુજી અને વ્યંગાત્મક પ્રસ્તાવ મૂક્યો છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટ્રમ્પે પોપને "વિદેશ નીતિમાં નબળા" ગણાવ્યા, જેના જવાબમાં ઇટાલીના પીએમ મેલોનીએ ટ્રમ્પના નિવેદનને "અસ્વીકાર્ય" ગણાવી પોપનો બચાવ કર્યો. આ જોતા ટ્રમ્પે પણ મેલોનીને "ડરપોક" કહી દીધા હતા.
"તમારા સાથી (ટ્રમ્પ) ગુમાવ્યા છે, અમે જગ્યા ભરવા તૈયાર છીએ"
ઘાનામાં આવેલા ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઇટાલીને સંબોધતા કહ્યું, "પ્રિય ઇટાલી, તમારા પીએમએ હમણાં જ પોપનો બચાવ કર્યો અને વોશિંગ્ટનમાં એક સાથી ગુમાવ્યો છે. તે 'દુઃખમાં કમાન્ડર' (Commander-in-Grief) છે, છતાં પોતાને પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી માણસ ગણાવે છે. અમે એ ખાલી જગ્યા ભરવા માટે અરજી કરવા માંગીએ છીએ."
ઈરાને પોતાની લાયકાત ગણાવતા ઇટાલીને લલચાવવા નીચે મુજબની દલીલો કરી:
• ૭૦૦૦ વર્ષની સંસ્કૃતિ: ઈરાને દાવો કર્યો કે તેમની સંસ્કૃતિ ટ્રમ્પના ધ્યાનના ગાળા (Attention Span) કરતા ઘણી વધુ જૂની અને ઊંડી છે.
• શ્રેષ્ઠ ભોજન: ઈરાની ભોજન ટ્રમ્પને ગમતા ફાસ્ટ ફૂડ કરતા ઘણું ચડિયાતું છે.
આઈસ્ક્રીમ પર ૨૦૦૦ વર્ષ જૂનું 'કોલ્ડ વોર'
ઈરાની દૂતાવાસે ઇટાલી સાથેના વિવાદનો એકમાત્ર મુદ્દો 'આઈસ્ક્રીમ' ગણાવ્યો હતો. પોસ્ટમાં મજાક કરતા લખાયું કે, "ઈરાન અને ઇટાલી વચ્ચે માત્ર એક જ બાબતે લડાઈ છે કે આઈસ્ક્રીમની શોધ કોણે કરી? ઈરાની 'ફાલુદેહ' પહેલા આવ્યો કે ઇટાલિયન 'ગેલેટો'? અમે આ મુદ્દે છેલ્લા ૨૦૦૦ વર્ષથી 'ઠંડા યુદ્ધ' (Cold War) માં છીએ, પણ હવે તે ભૂલીને સાથે આવી શકીએ છીએ."
ટ્રમ્પ પર 'મીમ'નો મારો
માત્ર ઘાના જ નહીં, પણ દક્ષિણ આફ્રિકામાં આવેલા ઈરાની દૂતાવાસે પણ ટ્રમ્પને "હોર્મુઝની સામુદ્રધુનીનો દુઃખી ચાંચિયો" કહીને તેમની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે તાજેતરમાં પોતાની જાતને બાઈબલના પાત્ર તરીકે રજૂ કરતી AI તસવીરો શેર કરી હતી, જેની સામે ઈરાને હવે ડિજિટલ યુદ્ધ શરૂ કર્યું છે.
ઇટાલી જેવા અમેરિકાના કટ્ટર સાથીદાર અને ટ્રમ્પ વચ્ચેના આ આંતરિક ઝઘડાએ ઈરાનને દુનિયા સામે અમેરિકાની એકલતા બતાવવાની સુવર્ણ તક આપી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે મેલોની ઈરાનના આ 'સ્વીટ' કટાક્ષનો શું જવાબ આપે છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
