News of Tuesday, 7th July 2026
ઇરાનના વિદેશ પ્રધાન અરાઘચી સાથે સ્ટેજ પર જ ભારે દુર્વ્યવહાર: ખામેનીના અંતિમ સંસ્કારમાં ગુંજ્યા 'દેશદ્રોહીઓને મોત' ના નારા!
અમેરિકા સાથે શાંતિ વાટાઘાટો કરવા બદલ કટ્ટરપંથીઓનો પ્રચંડ આક્રોશ : ખામનેઈના અંતિમયાત્રા દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ હુમલાનો પ્રયાસ કરતા વિદેશ પ્રધાનને અધવચ્ચેથી જ જીવ બચાવીને ભાગવું પડ્યું

તેહરાન : ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખામેનીના અવસાન બાદ તેહરાનમાં આયોજિત તેમની ભવ્ય અંતિમયાત્રા દરમિયાન ઇરાનના આંતરિક રાજકારણનો એક અત્યંત ચોંકાવનારો અને હિંસક ચહેરો દુનિયા સામે આવ્યો છે. ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી જ્યારે પોતાના સર્વોચ્ચ નેતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર હજારો કટ્ટરપંથીઓ અને સરકાર તરફી પ્રદર્શનકારીઓના એક પ્રચંડ ટોળાએ તેમને ઘેરી લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હૃદયધ્રુજાવનારા વીડિયોમાં જોઈ શકાય છે કે રોષે ભરાયેલા લોકો અરાઘચીને નિશાન બનાવીને અત્યંત આક્રમક રીતે "દેશદ્રોહીને મોત", "બેશરમ" અને "દંભી" જેવા અપમાનજનક નારા લગાવી રહ્યા છે. આ હોબાળો એટલો હિંસક અને બેકાબૂ બન્યો હતો કે સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને વિદેશ પ્રધાન અરાઘચીને પોતાનો જીવ બચાવવા માટે અંતિમ સંસ્કારની વિધિ અધવચ્ચે જ છોડીને ત્યાંથી તાત્કાલિક ભાગી જવાની ફરજ પડી હતી.
આ પ્રચંડ જનઆક્રોશ પાછળનું મુખ્ય કારણ અમેરિકા સાથે ચાલી રહેલી ગુપ્ત શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામનું માળખું હોવાનું કહેવાય છે. ઇરાનના કટ્ટરપંથી જૂથોનો આરોપ છે કે અરાઘચી અમેરિકા સામે ઘૂંટણ ટેકી રહ્યા છે, જે તેમના દિવંગત નેતા ખામેનીના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. રસપ્રદ વાત એ છે કે આ અંતિમયાત્રામાં માત્ર વિદેશ પ્રધાન જ નહીં, પરંતુ ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને પણ જનતાના આવા જ આકરા ગુસ્સા અને ભારે હોબાળાનો સામનો કરવો પડ્યો હતો, જે દર્શાવે છે કે ઇરાનનું આંતરિક રાજકારણ હાલમાં કેટલા ગંભીર સત્તા સંઘર્ષ અને આંતરિક તણાવમાંથી પસાર થઈ રહ્યું છે.
બીજી તરફ, આ આબરૂના ધાબેડા ઉડ્યા બાદ પણ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ વિશાળ જનમેદનીને દેશની અખંડિતતા અને શક્તિનું પ્રતીક ગણાવતા લખ્યું કે, લાખો ઇરાનીઓ પોતાના નેતાના વારસાને સલામ કરવા એકઠા થયા છે અને ઇરાનની સેના કોઈ પણ વિદેશી ધમકીથી ડરવાની નથી. આ સાથે જ તેમણે વળતો પ્રહાર કરતા અમેરિકાને 'ઇસ્લામાબાદ સમજૂતી કરાર'ની યાદ અપાવીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી ઇરાન વિરુદ્ધની ધમકીઓ સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી અંતિમ શાંતિ કરાર પર કોઈ વાટાઘાટો આગળ વધશે નહીં. તેમણે વોશિંગ્ટનને પોતાના હસ્તાક્ષર અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની પણ નસીહત આપી છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
