<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ઈરાનની અમેરિકાને સીધી ધમકી: દરિયાઈ નાકાબંધી નહીં હટે તો યુદ્ધ હિંદ મહાસાગર, બાબ અલ-મંડબ અને ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચશે: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનીના લશ્કરી અધિકારી મોહસિન રેઝાઈની સ્પષ્ટ ધમકી: ઈરાન હવે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વના એવા અન્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર પણ નિશાન સાધવાની તૈયારી કરી રહ્યું છે

તહેરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતાના ટોચના સૈન્ય સલાહકારે સીએનએન મારફતે અમેરિકા અને પશ્ચિમી દેશોને ગંભીર ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો ગાઝા યુદ્ધ ચાલુ રહેશે અને હોર્મુઝ સ્ટ્રેટ ખાતે  દરિયાઈ નાકાબંધી હટાવવામાં નહીં આવે તો, આ યુદ્ધનો વ્યાપ વધારીને તેને હિંદ મહાસાગર, બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને ભૂમધ્ય સમુદ્ર સુધી લઈ જવામાં આવશે. વધુમાં, ઈરાને અમેરિકન સૈન્ય બેઝ પર થઈ રહેલા હુમલાઓને વધુ તીવ્ર બનાવીને યુદ્ધને નવું પરિમાણ આપવાની ખુલ્લી ધમકી આપી છે.

 

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધના ભણકારા વધુ તેજ બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાને અત્યાર સુધીની સૌથી મોટી અને સીધી ધમકી પશ્ચિમી દેશોને આપી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખમેનીના ટોચના સૈન્ય સલાહકાર મોહસિન રેઝાઈએ અમેરિકાને નિશાન બનાવીને સ્પષ્ટ કર્યું છે કે જો  અમેરિકા તેમની નીતિઓ નહીં બદલે તો આખું વિશ્વ તેના ગંભીર પરિણામો ભોગવશે.

 

મોહસિન રેઝાઈએ સીએનએનને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "જો વર્તમાન યુદ્ધ આમ જ ચાલુ રહેશે અને દરિયાઈ નાકાબંધી હટાવવામાં નહીં આવે, તો અમે આ યુદ્ધને માત્ર વર્તમાન વિસ્તારો પૂરતું સીમિત નહીં રાખીએ. અમે લડાઈને હિંદ મહાસાગર, બાબ અલ-મંડબ સ્ટ્રેટ અને છેક ભૂમધ્ય સમુદ્ર (મેડીટેરેનિયમ સી) સુધી ખેંચી જઈશું." આ નિવેદન દર્શાવે છે કે ઈરાન હવે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વના એવા અન્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર પણ નિશાન સાધવાની તૈયારી કરી રહ્યું છે.

 

ઈરાની કમાન્ડરે અમેરિકાને સીધો પડકાર ફેંકતા વધુમાં ઉમેર્યું હતું કે, "અમે અત્યાર સુધી જે અમેરિકન બેઝ પર હુમલા કરી રહ્યા છીએ, તેને વધુ વ્યાપક અને ઘાતક બનાવીશું. આ સતત હુમલાઓ દ્વારા અમે આ યુદ્ધને એક નવું પરિમાણ ( ડાયમેન્શન) આપીશું." આ ધમકીના કારણે મધ્ય પૂર્વમાં કાર્યરત અમેરિકન અને તેના સાથી દેશોના સૈન્ય મથકોની સુરક્ષાને લઈને એલર્ટ વધારી દેવામાં આવ્યું છે.

 

સત્તાવાર વિગતો અને સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો ઈરાન તેની ધમકી મુજબ હિંદ મહાસાગર અને બાબ અલ-મંડબમાં કાર્યવાહી કરશે, તો એશિયા અને યુરોપને જોડતા મુખ્ય દરિયાઈ વેપારી માર્ગો ખોરવાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ મુજબ આ આક્રમક નિવેદન બાદ અમેરિકા અને તેના સાથી દેશોએ દરિયાઈ સુરક્ષા વધારવા માટેની કવાયત સઘન કરી દીધી છે.*

(9:27 AM IST)