News of Wednesday, 1st July 2026
ઈરાનની ટ્રમ્પને સીધી ધમકી : "તેલ અવીવના પાલતુ પ્રાણીઓને કાબૂમાં રાખો, નહીંતર પાઠ ભણાવીશું!"
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી દ્વારા ખામેનેઈને 'મોતના ઘાટ ઉતારવાની' ધમકી આપ્યા બાદ વિદેશ મંત્રીનો પારો સાતમા આસમાને પહોંચ્યો: અમેરિકા અને ઈરાન વચ્ચે દોહામાં પરોક્ષ શાંતિ વાટાઘાટો અધ્ધરતાલ

દોહા: મધ્ય-પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે અત્યંત આક્રમક વલણ અપનાવતા એક સળગતું નિવેદન આપ્યું છે. અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પને ચેતવણી આપતા જણાવ્યું છે કે, ઇસ્લામાબાદ સમજૂતી મુજબ અમેરિકાએ તેલ અવીવ (ઈઝરાયેલ)માં બેઠેલા તેના ‘પાળતુ પ્રાણીઓ’ને લગામ કસવી જ પડશે. જો આ પાળતુ પ્રાણીઓ તેમના માલિકનું નહીં સાંભળે, તો ઈરાન તેમને યોગ્ય પાઠ ભણાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. ઈરાનના લોકો કે તેમના નેતૃત્વ સામેની કોઈપણ ધમકીનો તાત્કાલિક અને કઠોર જવાબ અપાશે અને દેશ કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ સહન નહીં કરે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે એક પ્રેસ બ્રીફિંગમાં ખુલ્લેઆમ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. કાત્ઝના આ નિવેદનથી ઈરાનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. જોકે, આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ અને હોર્મુઝના દરિયાઈ માર્ગને શિપિંગ ટ્રાફિક માટે ફરીથી ખોલવા માટેના પ્રયાસો તેજ બન્યા છે. પ્રમુખ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ જેરેડ કુશનર મધ્યસ્થી માટે મંગળવારે કતારની રાજધાની દોહા પહોંચ્યા હતા, જ્યાં ઈરાનની બ્લોક કરાયેલી 6 અબજ ડોલરની સંપત્તિ મુક્ત કરવા બાબતે કતારી અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
જોકે, કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ સ્પષ્ટ કર્યું છે કે દોહામાં અમેરિકી પ્રતિનિધિઓ અને ઈરાની રાજદ્વારીઓ વચ્ચે કોઈ સીધી સત્તાવાર મુલાકાત યોજાવાની નથી. અગાઉના બંને રાઉન્ડ નિષ્ફળ રહ્યા હોવાથી, ઈરાન હાલ પૂરતું અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત કરવાના મૂડમાં નથી. હાલ બંને પક્ષો કતારના મધ્યસ્થો મારફતે જ સંદેશાઓની આપ-લે કરી રહ્યા છે. ઈરાની પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈના જણાવ્યા અનુસાર, જો ઈઝરાયેલ યુએસ-ઈરાન વચ્ચેના શાંતિ કરારને બગાડવાનો પ્રયત્ન કરશે, તો સમગ્ર ક્ષેત્ર ફરી એકવાર ભયંકર યુદ્ધની આગમાં હોમાઈ શકે છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
