તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
હોર્મુઝમાં ઈરાનનો ‘ચક્રવ્યૂહ’: ચીની જહાજને પણ નો-એન્ટ્રી! દરિયાઈ માર્ગે મચ્યો હાહાકાર
વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ પર ઈરાનની લાલ આંખ; ‘સન પ્રોફિટ’ નામના ચીની જહાજને યુ-ટર્ન લેવા મજબૂર કરાયું, ભારત સહિતના દેશોની ચિંતામાં ધરખમ વધારો.

મુંબઈ: વિશ્વના વ્યાપારની જીવાદોરી સમાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ઈરાને પોતાની પકડ એટલી મજબૂત કરી દીધી છે કે હવે તેના મિત્ર દેશો પણ કડક તપાસમાંથી બચી શકતા નથી. તાજેતરની ચોંકાવનારી ઘટનામાં, ઈરાને ચીનના જહાજ "સન પ્રોફિટ" ને પૂર્વ પરવાનગી વિના પ્રવેશતા અટકાવી દીધું છે. મુંબઈ સ્થિત ઈરાની દૂતાવાસના અધિકારીએ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ જહાજને પ્રવેશ નકારીને અધવચ્ચેથી જ પાછું વાળી દેવામાં આવ્યું હતું. ઈરાનનો આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે કે તે હવે આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર કોઈ પણ દેશને 'ઓટોમેટિક' કે 'બ્લેન્કેટ' પરવાનગી આપવાના મૂડમાં નથી; દરેક જહાજે અલગથી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.
આ ઘટનાએ માત્ર ચીન જ નહીં, પરંતુ ભારત સહિતના તમામ મોટા દેશોની ઉંઘ ઉડાવી દીધી છે. હોર્મુઝમાં તણાવ એટલી હદે વધી ગયો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં વેપારી જહાજો પર ગોળીબારની ઘટનાઓ પણ બની છે, જેમાં બે ભારતીય ધ્વજવાળા જહાજો પણ લપેટામાં આવ્યા હતા. ભારતે આ મામલે સખત વલણ અપનાવીને ઈરાની રાજદૂતને તેડું મોકલ્યું હતું અને ભારતીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી. ભારત માટે આ માર્ગ એટલા માટે મહત્વનો છે કારણ કે દેશની ઉર્જા સુરક્ષા અને ક્રૂડ ઓઈલની આયાતનો મોટો હિસ્સો આ સાંકડી સમુદ્રધુનીમાંથી પસાર થાય છે.
ભૂ-રાજકીય નિષ્ણાતો માને છે કે ઈરાન આ પ્રકારની કડક કાર્યવાહી દ્વારા અમેરિકા અને તેના સહયોગી દેશોને પોતાની તાકાતનો પરચો બતાવી રહ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં હોર્મુઝની સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલો વહેતા થયા હતા, ત્યારે જમીની હકીકત કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. સતત મોનિટરિંગ અને જહાજોની અટકાયતને કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવ ઉછળવાની ભીતિ સેવાઈ રહી છે. જો ઈરાન તેની આ ‘પરવાનગી રાજ’ ની નીતિ ચાલુ રાખશે, તો આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં મોટું સંકટ ઊભું થઈ શકે છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
