તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ: 'ટ્રમ્પની ધમકીઓ સામે હવે કોઈ વાતચીત નહીં થાય'
ટ્રમ્પની તબાહ કરી દેવાની ચેતવણી પર ઈરાન લાલચોળ; પલટવાર કરતા કહ્યું- 'વાતચીતના તમામ દરવાજા બંધ'

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને 'તબાહ કરી દેવાની' આપવામાં આવેલી ધમકી પર ઈરાને અત્યંત આકરો પલટવાર કર્યો છે. ઈરાનના સત્તાવાળાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, અમેરિકાની આવી ધમકીઓ સામે તેઓ ક્યારેય ઝૂકશે નહીં અને હવે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત શક્ય નથી.
ધમકી બાદ ઈરાનનો આકરો વલણ
ઈરાનના વિદેશ મંત્રાલય અને ઉચ્ચ સત્તાધીશો તરફથી સત્તાવાર નિવેદન જાહેર કરીને ટ્રમ્પના નિવેદનની આકરી ટીકા કરવામાં આવી છે. ઈરાને જણાવ્યું કે, અમેરિકા દબાણ અને ધમકીઓની રાજનીતિ દ્વારા અમને વાટાઘાટોના ટેબલ પર લાવવા માંગે છે, પરંતુ આ વ્યૂહરચના ક્યારેય સફળ નહીં થાય. 'ધમકી આપનારાઓ સાથે હવે કોઈ જ સંવાદ થઈ શકે નહીં' તેમ કહીને ઈરાને વાતચીતની તમામ શક્યતાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
શું હતી ટ્રમ્પની ધમકી?
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઈરાનની પરમાણુ તેમજ સૈન્ય ગતિવિધિઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે આકરૂ વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે એક નિવેદનમાં ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની અને જરૂર પડ્યે તેને સંપૂર્ણપણે તબાહ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.
યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા
બંને દેશો વચ્ચેની આ નિવેદનબાજી અને વધતા ગજગ્રાહને કારણે મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, જો બંને દેશો પોતાના વલણ પર મક્કમ રહેશે અને કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
