<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો પર ઈરાની નૌકાદળનું ફાયરિંગ: સમુદ્રમાં સર્જાયેલા હિંસક તણાવ બાદ તેહરાને ‘ડેમેજ કંટ્રોલ’ શરૂ કર્યું

ક્રૂડ ઓઈલથી ભરેલા વિશાળ ટેન્કરો પર હુમલા બાદ દિલ્હીમાં ઈરાની રાજદૂતને તેડું, 5 હજાર વર્ષ જૂના સંબંધોની દુહાઈ આપીને વિવાદ થાળે પાડવા ઈરાનનો નરમ સૂર

નવી દિલ્હી: વૈશ્વિક વ્યાપાર માટે અત્યંત સંવેદનશીલ મનાતી હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ધ્વજ ધરાવતા બે વિશાળ જહાજો 'જગ અર્ણવ' અને 'સનમાર હેરાલ્ડ' પર ઈરાની ગનબોટ્સ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. શનિવારે બનેલી આ ઘટનામાં 20 લાખ બેરલ તેલ ભરેલા વેરી લાર્જ ક્રૂડ કેરિયર (VLCC) ને નિશાન બનાવવામાં આવતા ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને તાત્કાલિક સમન્સ પાઠવી કડક વિરોધ નોંધાવ્યો છે અને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારતીય નાવિકો અને સંપત્તિની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.

આ રાજદ્વારી તણાવ વચ્ચે ઈરાન તરફથી ડેમેજ કંટ્રોલના પ્રયાસો પણ તેજ બન્યા છે. હૈદરાબાદમાં હાજર ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ બંને દેશો વચ્ચેના 5 હજાર વર્ષ જૂના ઐતિહાસિક સંબંધોને યાદ કરી શાંતિની અપીલ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન યુદ્ધ નહીં પણ સ્થિરતા ઈચ્છે છે અને ભારતને હોર્મુઝના માર્ગથી હંમેશા ફાયદો થતો રહ્યો છે. જોકે, આશ્ચર્યજનક રીતે તેમણે ફાયરિંગની ઘટના અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું, જે ઈરાનની આંતરિક સંકલનની ખામી અથવા તો વ્યૂહાત્મક પીછેહઠ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારત માટે આ માર્ગ આર્થિક રીતે કરોડરજ્જુ સમાન છે, કારણ કે દેશની 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ જ રસ્તેથી પસાર થાય છે. વિદેશ સચિવે ઈરાની રાજદૂત સાથેની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે અગાઉ આપવામાં આવેલી સુરક્ષિત માર્ગની ખાતરીનું ઉલ્લંઘન થયું છે, જે ગંભીર બાબત છે. સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જહાજોને યુ-ટર્ન લેવાની ફરજ પડતા તેલના પુરવઠા પર અસર પડવાની આશંકા છે. ભારતની માંગ છે કે હોર્મુઝના માર્ગે માલવાહક જહાજોની અવરજવર જલ્દીથી પૂર્વવત્ કરવામાં આવે અને સુરક્ષાની ખાતરી આપવામાં આવે.

(11:32 AM IST)