તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અમેરિકાના વળતા જવાબમાં કોઈ નક્કર છૂટછાટ ન હોવાનો ઈરાની મીડિયાનો દાવો : તેહરાનની શાંતિ દરખાસ્ત સામે વોશિંગ્ટને મૂકી આકરી શરતો
ઈરાને યુદ્ધવિરામ અને દરિયાઈ નાકાબંધી હટાવવાની માંગ કરી હતી જ્યારે અમેરિકાએ માત્ર એક જ પરમાણુ પ્લાન્ટ ચાલુ રાખવા અને સંવર્ધિત યુરેનિયમ સોંપવાની શરત રાખતા મડાગાંઠ યથાવત

તેહરાન : પશ્ચિમ એશિયાના સળગતા સંકટ અને યુદ્ધને રોકવા માટે ચાલી રહેલી રાજદ્વારી પ્રક્રિયાઓ વચ્ચે ઈરાનના સત્તાવાર મીડિયાએ મોટો દાવો કર્યો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન દ્વારા રજૂ કરવામાં આવેલી શાંતિ વાટાઘાટોની દરખાસ્તના જવાબમાં અમેરિકા તરફથી કોઈ નક્કર કે વાસ્તવિક છૂટછાટ આપવામાં આવી નથી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે વોશિંગ્ટને ઈરાન સમક્ષ પાંચ મુદ્દાની આકરી યાદી રજૂ કરી છે, જેમાં ઈરાનને માત્ર એક જ પરમાણુ પ્લાન્ટ કાર્યરત રાખવા અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપી દેવા જેવી કડક માંગણીઓ સામેલ છે, જેને પગલે બંને દેશો વચ્ચે મડાગાંઠ વધુ ઘેરી બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાને પોતાની અગાઉની દરખાસ્તમાં લેબેનાનમાં ઈઝરાયેલના સૈન્ય અભિયાન સહિત તમામ મોરચે યુદ્ધનો અંત લાવવાની વકીલાત કરી હતી. આ ઉપરાંત, ઈરાને ગત ૧૩ એપ્રિલથી તેના બંદરો પર અમેરિકી નૌસેના દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીને તાત્કાલિક હટાવવાની પણ માંગ કરી હતી, જે ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વનો માર્ગ છે. જોકે, અમેરિકાએ આ માંગણીઓ સ્વીકારવાના બદલે વળતો પ્રહાર કરીને શરતો મૂકતા ઈરાન આકરા મૂડમાં જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન, ઈરાનના સશસ્ત્ર દળોના પ્રવક્તા અબોલફઝલ શેકરચીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન પર ફરીથી હુમલા ન કરવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સરકારી ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જો અમેરિકા દ્વારા કોઈ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે, તો યુએસના તમામ સંસાધનો અને લશ્કરી મથકોને અભૂતપૂર્વ, આક્રમક અને આંચકાજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે.
તે જ પ્રમાણે, ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકર હામિદરેઝા હાજીબાબાઈએ પણ ઈરાનના તેલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સંભવિત હુમલા સામે ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ઈરાનના ઓઈલ પ્લાન્ટ્સને કોઈ પણ નુકસાન થશે, તો ઈરાન એવા પગલાં ભરશે જેના કારણે અમેરિકા અને સમગ્ર વિશ્વ લાંબા સમય સુધી આ ક્ષેત્રમાંથી તેલ મેળવી શકશે નહીં. આ પરસ્પર આક્ષેપો અને આકરી શરતોના કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામની આશાઓ પર ફરી પાણી ફરી વળ્યું છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
