<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

ઈરાની નેતાઓ પર મિસાઈલ હુમલાનું કાવતરું? જીવ બચાવવા પ્લેન છોડી બસ-ટ્રેનમાં મુસાફરી કરવી પડી

ઈસ્લામાબાદમાં અમેરિકા સાથેની મંત્રણા નિષ્ફળ ગયા બાદ પરત ફરતા ઈરાની વિદેશ મંત્રી અને સંસદ અધ્યક્ષના વિમાનને હવામાં તોડી પાડવાની ગુપ્ત માહિતી મળતા મચ્યો ખળભળાટ: તેહરાન પહોંચવા માટે નેતાઓએ રૂટ બદલીને ગુપ્ત રીતે સડક માર્ગનો સહારો લીધો

ઈસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો માત્ર નિષ્ફળ જ નથી રહી, પરંતુ હવે તે જીવલેણ વળાંક પર પહોંચી ગઈ છે. ઈરાની પ્રતિનિધિમંડળ સાથે આવેલા વિશ્લેષક મોહમ્મદ મરાંડીએ ધડાકો કર્યો છે કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના વિમાનને મિસાઈલ વડે નિશાન બનાવવાનું કાવતરું ઘડાયું હતું. આ ભયાનક ધમકીને પગલે ઈરાની નેતાઓએ અધવચ્ચે જ હવામાં વિમાન બદલ્યું હતું અને પૂર્વનિર્ધારિત રૂટને બદલે મશહાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

મશહાદમાં ઉતર્યા પછી પણ જોખમ ટળ્યું ન હોવાથી સુરક્ષા એજન્સીઓએ અત્યંત ગુપ્ત વ્યૂહરચના અપનાવી હતી. ઈરાનના આ શક્તિશાળી નેતાઓએ પ્લેનનો ત્યાગ કરીને ટ્રેન, બસ અને ખાનગી કારો દ્વારા ટુકડે-ટુકડે મુસાફરી પૂરી કરી હતી. મરાંડીએ લેબનીઝ મીડિયાને જણાવ્યું કે અમેરિકા વિશ્વાસઘાત કરી શકે છે તેવી તેમને અગાઉથી જ શંકા હતી, તેથી જ પકડાઈ ન જવાય તે માટે વારંવાર વાહનો બદલીને તેઓ સુરક્ષિત રીતે તેહરાન પહોંચ્યા હતા.

આટલા ગંભીર સુરક્ષા જોખમ અને 'વિમાન તોડી પાડવાના' કાવતરા છતાં, આશ્ચર્યજનક રીતે બંને દેશો આ અઠવાડિયે ઈસ્લામાબાદમાં ફરીથી મળવા જઈ રહ્યા છે. પાકિસ્તાને બીજા રાઉન્ડની વાટાઘાટો માટે તૈયારીઓ તેજ કરી દીધી છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ મંત્રણા ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે એકબીજા પર જીવલેણ હુમલાના આક્ષેપો વચ્ચે આ શાંતિ મંત્રણાઓ શું ખરેખર કોઈ નક્કર પરિણામ લાવશે કે પછી તણાવ વધુ ઘેરો બનશે.

(7:43 PM IST)