તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ઈરાન યુદ્ધનો હજયાત્રીઓ પર આર્થિક ફટકો: હવાઈ ઈંધણના ભાવ વધતા હજ કમિટીનો મોટો નિર્ણય, દરેક હાજીએ વધારાના ₹10,000 ચૂકવવા પડશે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે એરલાઈન્સના ભાડામાં થયો તોતિંગ વધારો; ભારત સરકારના લઘુમતી મંત્રાલયે 15 મે સુધીમાં રકમ જમા કરાવવા આદેશ આપ્યો

રાજકોટ: અમેરિકા અને ઈઝરાયેલની ઈરાન સાથે ચાલી રહેલી જંગની અસરો હવે ધાર્મિક યાત્રા પર પણ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વના દેશોમાં ઉભી થયેલી અશાંતિ અને યુદ્ધની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને હવાઈ ઈંધણ (ATF) ના ભાવ આસમાને પહોંચ્યા છે. આ આર્થિક બોજને પહોંચી વળવા માટે ભારતની હજ કમિટીએ મોટો નિર્ણય લેતા તમામ હજયાત્રીઓ માટે ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે દરેક હાજીએ અગાઉ નક્કી કરેલી રકમ ઉપરાંત વધારાના 10,000 રૂપિયા (આશરે 100 અમેરિકી ડોલર) જમા કરાવવા પડશે.
હજ સમિતિ દ્વારા બુધવારે (29 એપ્રિલ) જારી કરવામાં આવેલા સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુમતી મંત્રાલયે મધ્ય પૂર્વના સંકટથી પેદા થયેલી અસાધારણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ વધારો મંજૂર કર્યો છે. એરલાઈન્સ દ્વારા ભાડામાં 400 ડોલરથી વધુનો વધારો કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સરકારે મુસાફરો પર ઓછામાં ઓછો બોજ પડે તે રીતે 100 ડોલરનો વધારાનો ચાર્જ નક્કી કર્યો છે. આ નિયમ ભારતના તમામ પ્રસ્થાન બિંદુઓ (Departure Points) પરથી જતા મુસાફરોને સમાન રીતે લાગુ પડશે.
મુસાફરોએ આ વધારાની રકમ 15 મે, 2026 સુધીમાં જમા કરાવવાની રહેશે. ચાલુ વર્ષે ભારતમાંથી કુલ 1,75,025 યાત્રીઓ હજ પઢવા જવાના છે. હજ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે જો સમયસર આ રકમ જમા નહીં કરાવવામાં આવે તો પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે. ઈંધણના વધતા ભાવને કારણે એરલાઈન્સ માટે જૂના ભાડામાં સર્વિસ આપવી અશક્ય બની જતાં આ કડવો નિર્ણય લેવો પડ્યો છે.
યાત્રીઓની સુવિધા માટે આ રકમ જમા કરાવવાની પ્રક્રિયા પણ સરળ રાખવામાં આવી છે. હજયાત્રીઓ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા હજ કમિટીની સત્તાવાર વેબસાઈટ કે 'હજ સુવિધા એપ' પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અથવા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ખાતામાં પણ આ રકમ જમા કરાવી શકાશે. યુદ્ધની આ ગંભીર અસરને કારણે હવે સામાન્ય હાજીઓએ પણ આર્થિક રીતે વધુ તૈયારી રાખવી પડશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
