<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

અમેરિકી પ્રતિબંધોને નેવે મૂકીને ઈરાન દ્વારા ચીનમાં ગુપ્ત તેલ ટર્મિનલ અને સ્ટોરેજ સુવિધા પર કબ્જો: લીક થયેલા પત્રથી મોટો ખુલાસો

ગ્લોબલ એનર્જી માર્કેટમાં ખળભળાટ મચાવતી ઘટનામાં ગુપ્ત દસ્તાવેજો બહાર આવ્યા, ચીનના બંદરો અને સંગ્રહ ટાંકીઓ દ્વારા પ્રતિબંધિત કાચા તેલનું ગુપ્ત વેચાણ થઈ રહ્યું હોવાનો અહેવાલ

તેહરાન : વૈશ્વિક રાજકારણ અને ઉર્જા બજારમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં લીક થયેલા એક ગુપ્ત પત્ર દ્વારા ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાના કડક પ્રતિબંધોને બાયપાસ કરીને ચીનમાં ગુપ્ત રીતે અનેક તેલ ટર્મિનલ અને સ્ટોરેજ સુવિધાઓ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈરાન ઇન્ટરનેશનલ દ્વારા પ્રાપ્ત થયેલા આ દસ્તાવેજમાં જણાવાયું છે કે નેશનલ ઇરાની ઓઈલ કંપની (NIOC) ના ભૂતપૂર્વ વડા અને વર્તમાન કાર્યકારી તેલ મંત્રી દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં ઈરાન દ્વારા પ્રતિબંધિત કાચા તેલના પરિવહન અને વેચાણ માટેના ગુપ્ત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

 

અહેવાલ મુજબ ઈરાને ચીનના નિંગબો-ઝુશાન ફ્રી ટ્રેડ ઝોન, શેનડોંગ પ્રાંતના કિંગદાઓ અને પેંગ સહિતના મહત્વપૂર્ણ વિસ્તારોમાં તેલ સુવિધાઓ અને સંગ્રહ માટેની મોટી ટાંકીઓ હસ્તગત કરી છે, જેના દ્વારા યુએસ પ્રતિબંધોથી બચીને ઝડપી શિપમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

 

આ ગુપ્ત નેટવર્ક પાછળ હુસૈન શામખાની સાથે જોડાયેલા જહાજો અને શેડો ફ્લીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ચીન લાંબા સમયથી ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર રહીને નાણાકીય વ્યવહારોના બદલે બાર્ટર સિસ્ટમ અને એસપીવી દ્વારા વેપાર ચલાવી રહ્યું છે.

 

આંતરરાષ્ટ્રીય સ્તરે સામે આવેલી આ વિગતો વચ્ચે ચીન દ્વારા ઈરાની તેલ પર વધુ ડિસ્કાઉન્ટની માંગ કરવા અને રિફાઇનરી ક્વોટા વધારવાનો ઇનકાર કરવા જેવા મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચે અંદરખાને તણાવ પણ વધી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

આ સમગ્ર ઘટનાક્રમ આગામી સમયમાં વૈશ્વિક રાજકારણ અને અમેરિકાની પ્રતિબંધ નીતિઓ સામે એક મોટો પડકાર બનીને ઉભરી શકે છે, જેના પર સમગ્ર વિશ્વના દેશોની વિશેષ નજર રહેલી છે.

(6:38 PM IST)