<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ઈરાન પતનની અણી પર, હોર્મુઝ સ્‍ટ્રેટ ખોલવા અમેરિકા પાસે માગી મદદ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે દાવો કર્યો

વોશીંગ્‍ટન તા.૨૯: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે કહ્યું કે, ઈરાન સંપૂર્ણપણે પતનની અણી પર  છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, તેહરાને વ્‍હાઇટ હાઉસને હોર્મુઝ સ્‍ટ્રેટ ખોલવા માટે વિનંતી કરી છે. જોકે, રાષ્ટ્રપતિએ આ અંગે વિગતવાર જણાવ્‍યું નથી કે ઈરાને આ મેસેજ કઈ રીતે મોકલ્‍યો હતો. ટ્રમ્‍પે એ વાત પણ દોહરાવી કે તેહરાન નેતૃત્‍વના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કરેલી પોસ્‍ટમાં લખ્‍યું છે કે, ઈરાને હમણાં જ અમને જણાવ્‍યું છે કે તેઓ સંપૂર્ણપણે પતનની અણી પર છે. તેઓ ઈચ્‍છે છે કે અમે હોર્મુઝ સ્‍ટ્રેટ વહેલી તકે ખોલી દઈએ, જેથી તેઓ પોતાના નેતૃત્‍વની સ્‍થિતિ પાટા પર લાવી શકે.

અમેરિકા અને ઇઝરાયેલ વચ્‍ચે અઠવાડિયા સુધી ચાલેલી લડાઈ બાદ પણ ગ્‍લોબલ ટ્રેડનો મહત્‍વનો રસ્‍તો હોર્મુઝ સ્‍ટ્રેટ દરિયાઈ વાહનવ્‍યવહાર માટે હજુ પણ બંધ છે.

ઈરાને પોતાની નૌકાદળ દ્વારા નાકાબંધી કરી દીધી છે. અહેવાલ મુજબ, આ સાંકડા રસ્‍તામાં ૬૦૦૦ બારુદી સુરંગો પાથરી દીધી છે. અમેરિકાએ પણ હોર્મુઝ સ્‍ટ્રેટ પરથી પસાર થતા જહાજો પર નાકાબંધી લગાવવાનો દાવો કર્યો છે.

ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટને ફરીથી ખોલવા માટે એક વચગાળાની સમજૂતીનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે, જેના બદલામાં વોશિંગ્‍ટને ઈરાની બંદરો પર પોતાની નાકાબંધી ખતમ કરવી પડશે. જોકે, બંને દેશોએ હજુ સુધી નાકાબંધી અને વિસ્‍તારમાં ચાલી રહેલા મોટા સંઘર્ષને ખતમ કરવા માટે કોઈ વચગાળાની સમજૂતી પર સહમતી સાધી નથી.

હોર્મુઝ વિસ્‍તારમાં અંદાજે ૨૦૦૦ જહાજો ફસાયેલા છે, જે આ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જો આ હોર્મુઝ સ્‍ટ્રેટ ફરીથી ખુલી જાય, તો પણ દરિયાઈ વાહનવ્‍યવહારને પ્રભાવિત કરનારા અનેક અવરોધો હાજર છે.

(10:45 AM IST)