તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ઈરાન ગમગીન: સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામૈનેઈની અંતિમ યાત્રામાં લાખો લોકોનો અશ્રુભીનો વિદાય સમારોહ, આખા દેશમાં આક્રંદ
તેહરાન સહિતના વિવિધ શહેરોમાં શોકનું વાતાવરણ: શ્રદ્ધાળુઓ છાતી પીટીને કરી રહ્યા છે માતમ, અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામૈનેઈના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ શરૂ થતાં જ તેહરાનની સડકો પર લાખો લોકોનો જનસૈલાબ ઉમટી પડ્યો છે. પોતાના પ્રિય નેતાને છેલ્લી વિદાય આપવા માટે લોકો એટલી મોટી સંખ્યામાં એકત્રિત થયા છે કે શહેરની તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે.
અંતિમ દર્શન દરમિયાન વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. હજારોની સંખ્યામાં શોકાતુર લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા, જેમના ચહેરા પર પોતાના નેતાને ગુમાવવાનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઈરાની પરંપરા અને શિયા સંપ્રદાયની રીત મુજબ, શોક વ્યક્ત કરવા માટે મોટી સંખ્યામાં લોકો છાતી પીટીને અને આક્રંદ કરીને પોતાના નેતા પ્રત્યે આદર અને શોક પ્રગટ કરી રહ્યા હતા. ઘણા લોકોની આંખોમાં આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા, જ્યારે અનેક લોકો દુઆઓ અને પ્રાર્થનામાં લીન જોવા મળ્યા હતા.
ઈરાન સરકાર અને સત્તાવાર તંત્ર દ્વારા આયોજિત આ અંતિમ યાત્રાનો કાર્યક્રમ આગામી ૯ જુલાઈ સુધી ચાલનાર છે. આયતુલ્લાહ ખામૈનેઈના પાર્થિવ દેહને પહેલા તેહરાનના મુસલ્લામાં રાખવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને શિયાઓના પવિત્ર સ્થળો ઈરાકના નજફ અને કર્બલા લઈ જવામાં આવશે. અંતિમ વિધિના ભાગરૂપે તેમને તેમના જન્મસ્થળ મશદ ખાતે લઈ જઈને ઈમામ રઝાના પવિત્ર મકબરામાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
આ ગમગીન પ્રસંગે માત્ર ઈરાન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી શોક સંદેશાઓ મળી રહ્યા છે. ભારત સહિતના અનેક દેશોએ પણ પોતાના પ્રતિનિધિ મંડળોને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઈરાન મોકલ્યા છે. ઐતિહાસિક રીતે આટલી મોટી સંખ્યામાં લોકોનું એકત્ર થવું એ ઈરાનના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના માનવામાં આવી રહી છે. રસ્તાઓ પર ઠેર-ઠેર ખામૈનેઈની તસવીરો અને બેનરો સાથે લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે ઈરાની જનતા માટે આ કેટલો મોટો અને અપૂરણીય આઘાત છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
