<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધનો ફરી ભડકો: રામત ડેવિડ એરબેઝ પર ઈરાનનો ભીષણ મિસાઈલ હુમલો

બેરૂત પરના હુમલાનો બદલો લેવા ઈરાને મિસાઈલો ઝીંકી, પશ્ચિમી હવાઈ ક્ષેત્ર અચોક્કસ મુદત માટે બંધ: ઇરાક અને સિરિયાએ પણ પોતાની એરસ્પેસ બંધ કરી

તેહરાન: મધ્ય પૂર્વમાં એપ્રિલના નાજુક યુદ્ધવિરામ બાદ ફરી એકવાર પૂર્ણ કક્ષાના યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણી પરાં પર કરેલા ઘાતક હવાઈ હુમલાના વિરોધમાં ઈરાને વળતો પ્રહાર કર્યો છે. 

રવિવારે મોડી સાંજે ઈરાને ઇઝરાયેલના ટિબેરિયાસ શહેર અને રામત ડેવિડ એરબેઝને નિશાન બનાવી ૪ શક્તિશાળી બેલાસ્ટિક મિસાઈલો ઝીંકી દીધી છે. આ હુમલા બાદ ઇઝરાયેલના ભયંકર વળતા પ્રહારની દહેશતને પગલે ઈરાનના સિવિલ એવિએશન ઓથોરિટીએ તાત્કાલિક સુરક્ષાના કારણોસર પોતાનું પશ્ચિમી હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) અચોક્કસ મુદત માટે સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. 

ઇરાક અને સિરિયાએ પણ સાવચેતીના ભાગરૂપે પોતાની એરસ્પેસ બંધ કરી છે. બીજી તરફ, મિસાઈલ હુમલા બાદ ઇઝરાયેલે તેલ અવીવ નજીકના બેન ગુરિયન એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને એર ડિફેન્સ સિસ્ટમ્સ સક્રિય કરી દીધી છે. બંને કટ્ટર દુશ્મનો વચ્ચેની આ નવી અથડામણે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે.

(9:42 AM IST)