<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સાયબર યુદ્ધમાં ઈરાનનો અમેરિકા પર જોરદાર પ્રહાર: 2,300 થી વધુ અમેરિકી સૈનિકોનો ખાનગી ડેટા લીક, વોટ્સએપ પર મળી ધમકી- ‘પરિવારને છેલ્લી વાર કોલ કરી લો’

ઈરાની હેકર્સ ગ્રુપ ‘હેન્ડલા’ એ અમેરિકી મરીન્સના નામ, સરનામાં અને લોકેશન કર્યા જાહેર; પર્સિયન ગલ્ફમાં તણાવ ચરમસીમાએ, પેન્ટાગોને જારી કર્યું હાઈ-એલર્ટ, સાયકોલોજિકલ વોરફેરથી સૈનિકોમાં ફફડાટ

તેહરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે રણમેદાન છોડીને ડિજિટલ દુનિયામાં પ્રવેશ્યો છે. ઈરાન સમર્થિત મનાતા હેક્ટિવિસ્ટ ગ્રુપ 'હેન્ડલા હેક'એ અમેરિકી સૈન્ય દળો પર અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો કર્યો છે. આ ગ્રુપે પર્સિયન ગલ્ફમાં તૈનાત 2,379 અમેરિકી મરીન્સનો અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત ડેટા લીક કરીને ખળભળાટ મચાવી દીધો છે.
અહેવાલો મુજબ, 28 અને 29 એપ્રિલની વચ્ચે હેકર્સે અમેરિકી સૈનિકોના અંગત વોટ્સએપ નંબર પર ડરામણા મેસેજ મોકલ્યા હતા. મેસેજમાં લખ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે તમે કોણ છો, તમારા પરિવારને છેલ્લી વાર ફોન કરી લો.” આ ધમકીભર્યા સંદેશાઓમાં ઈરાની શસ્ત્રો જેવા કે શાહિદ ડ્રોન અને કાદિર મિસાઈલ દ્વારા હુમલો કરવાની વાત પણ કરવામાં આવી હતી. આ હુમલાનો મુખ્ય હેતુ સૈનિકો અને તેમના પરિવારોમાં ડર પેદા કરી તેમનું મનોબળ તોડવાનો છે.
હેન્ડલા કોણ છે?: હેન્ડલા ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે હજુ પણ હજારો અમેરિકી નૌકાદળના જવાનોનો ડેટા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે. અત્યારે લીક થયેલા ડેટામાં સૈનિકોના નામ, ફોન નંબર, ઘરના સરનામાં અને બેઝ લોકેશન જેવી મહત્વની વિગતો સામેલ છે. અમેરિકી તપાસ એજન્સી FBI ના મતે, હેન્ડલા એ ઈરાની ઈન્ટેલિજન્સ એજન્સી (MOIS) સાથે જોડાયેલું એક ફ્રન્ટ ગ્રુપ છે, જે પ્રો-પેલેસ્ટાઈન હોવાનો ડોળ કરે છે.
 આ સાયબર હુમલા બાદ પેન્ટાગોન અને યુએસ સાયબર કમાન્ડ એક્શનમાં આવ્યા છે. સૈનિકોને તેમના પર્સનલ ડિવાઈસ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બાબતે અત્યંત સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે આ હુમલાને 'ઈરાની શાસનની હતાશા' ગણાવી છે. જોકે, FBI એ હેન્ડલા સાથે જોડાયેલા કેટલાક ડોમેન્સ જપ્ત કર્યા છે, પરંતુ હેકર્સ નવા એકાઉન્ટ્સ દ્વારા હજુ પણ સક્રિય છે.
નિષ્ણાતો માને છે કે આ ઘટના સાબિત કરે છે કે હવે યુદ્ધ માત્ર બોમ્બ અને મિસાઈલ સુધી મર્યાદિત નથી રહ્યું. ડેટા લીક અને સાયબર હુમલા એ હવે 'હાઈબ્રિડ વોર' ના નવા અને ઘાતક હથિયારો બની ગયા છે.

(12:40 AM IST)