<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અમેરિકાના ૧૩ શહેરો પર એકસાથે હુમલો કરી શકે છે ઇરાન

લોસ એન્‍જલસથી સેન ડિએગો સુધી...

લોસ એન્‍જલસ તા.૭: અમેરિકાના ઓછામાં ઓછા ૧૩ શહેરો પર ઈરાન હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને આ અંગેની આશંકા છે, જે બાદ આ શહેરોની સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્‍યા છે. મંગળવારે એક રેલીમાં ટ્રમ્‍પે કહ્યું કે, ઈરાન લોસ એન્‍જલસ અને સેન ડિએગો પર હુમલો કરવા માંગે છે. તેમને પ્રયાસ કરવા દો. અમે અમારી સુરક્ષા વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ટ્રમ્‍પે આગળ કહ્યું કે શહેરોને સુરક્ષિત રાખવા માટે અમે થોડો વધુ ખર્ચ કરી રહ્યા છીએ. આ થોડા દિવસોની વાત છે.

ટ્રમ્‍પનું આ નિવેદન એવા સમયે સામે આવ્‍યું છે, જ્‍યારે ઈરાનના ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ (IRGC) એ અમેરિકાના શહેરો પર હુમલાની ચેતવણી આપી છે. એટલું જ નહીં, ઈરાનની ચેતવણી બાદ અમેરિકાએ બ્રિટનના ફેરફોર્ડ ખાતેથી પોતાના બી-૨ બોમ્‍બર પાછા બોલાવી લીધા છે. અહીં ઈરાને ડ્રોન હુમલાની ચેતવણી આપી હતી.

અમેરિકાની ફેડરલ સરકારે ઉચ્‍ચ જોખમ ધરાવતા શહેરી વિસ્‍તારોની સુરક્ષા માટે બજેટ વધારવાનો નિર્ણય લીધો છે. જે શહેરોની સુરક્ષા વ્‍યવસ્‍થા પાછળ વધુ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે, તેમાં રાજધાની વોશિગ્‍ટન ડીસી, ન્‍યૂયોર્ક સિટી, હ્યુસ્‍ટન, શિકાગો, એટલાન્‍ટા, બોસ્‍ટન, ડેનવર, મિયામી, ન્‍યૂ ઓર્લિયન્‍સ, ફિનિક્‍સ/મેરીકોપા કાઉન્‍ટી, સેન ફ્રાન્‍સિસ્‍કો બે એરિયા, સિએટલ અને લોસ એન્‍જલસનો સમાવેશ થાય છે.

અમેરિકાએ ૨૦૧૦ના એક જીએસઓ (GSO) રિપોર્ટના આધારે આ શહેરોની સુરક્ષા વ્‍યવસ્‍થા વધારવાનો નિર્ણય કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું હતું કે અમેરિકાના આ ૧૩ શહેરો આતંકવાદીઓના રડાર પર છે

ઈરાને થોડા મહિના પહેલા બ્રિટનના ફેરફોર્ડ બેઝ પર હુમલાની ચેતવણી આપી હતી. ગયા અઠવાડિયે ઈરાન સાથે સંકળાયેલા ૫ લોકોને બેઝ નજીક રેકી કરતા જોવામાં આવ્‍યા હતા. 'ડેઇલી મેઇલ' અનુસાર, ઈરાન આ બેઝ પર ડ્રોન હુમલો કરવા માંગતું હતું, જેથી અમેરિકાના બી-૨ બોમ્‍બરને બેઝ પર જ નષ્ટ કરી શકાય.

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્‍યું કે ઈરાની જોખમને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. એટલે કે અમેરિકાને લાગે છે કે ઈરાન આ સમયે કોઈપણ પ્રોક્‍સી હુમલો કરાવી શકે છે.

અમેરિકામાં આવતા મહિને મિડટર્મ ચૂંટણીઓ પ્રસ્‍તાવિત છે. આ મિડટર્મ ચૂંટણી રાષ્ટ્રપતિ ટ્રમ્‍પ માટે ખૂબ જ મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે

(4:06 PM IST)