<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

અમેરિકાએ કરેલા હુમલામાં ૨ દી'માં ૧૪ના મોતઃ ઈરાનનો દાવો

ઇરાને જવાબી કાર્યવાહીમાં બહેરિન, કુવૈત અને કતારમાં કર્યો મિસાઈલ અને ડ્રોનનો મારો

 

નવી દિલ્‍હી, તા.૯: લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ અને વચગાળાના યુદ્ધવિરામના કરાર પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે. હોર્મુઝની ખાડી અને ઓમાનના દરિયાકાંઠે આંતરરાષ્‍ટ્રીય વેપારી જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં, અમેરિકી સૈન્‍યએ ઈરાનના અનેક લશ્‍કરી થાણાઓ અને વ્‍યૂહાત્‍મક બંદર સુવિધાઓ પર અત્‍યાર સુધીના સૌથી મોટા અને વિનાશક હવાઈ હુમલા શરૂ કર્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ સંકેત આપ્‍યા છે કે આ વિસ્‍તારમાં આંતરરાષ્‍ટ્રીય જહાજોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. આ અમેરિકી સૈન્‍ય કાર્યવાહી બાદ ઈરાનના આરોગ્‍ય મંત્રાલયના પ્રવક્‍તા હુસૈન કરમનપોરે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર સત્તાવાર આંકડા જાહેર કરતા જણાવ્‍યું છે કે છેલ્લા બે દિવસમાં થયેલા અમેરિકી હુમલામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત નીપજ્‍યા છે અને ૭૮ અન્‍ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ૪૭ લોકો હજુ પણ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

અમેરિકાની આ આક્રમક કાર્યવાહીના જવાબમાં ઈરાનની ઇસ્‍લામિક રિવોલ્‍યુશનરી ગાર્ડ કોર્પ્‍સ અને ઈરાની સેનાએ પણ અત્‍યંત આક્રમક વલણ અપનાવ્‍યું છે. તેહરાને આ વિસ્‍તારમાં સ્‍થિત અમેરિકી સૈન્‍ય મથકોને નિશાન બનાવીને બહેરીન, કુવૈત અને કતાર પર વળતો પ્રહાર કર્યો છે. ઈરાન દ્વારા છોડવામાં આવેલા વિનાશક ડ્રોન અને બેલિસ્‍ટિક મિસાઈલોને કારણે બહેરીનમાં હાઈ-એલર્ટના સાયરન વાગ્‍યા હતા, જ્‍યાં યુએસ નેવીના સૌથી શક્‍તિશાળી ૫મા ફ્‌લીટનું મુખ્‍ય મથક આવેલું છે. કુવૈત અને કતારમાં પણ અમેરિકી એર ડિફેન્‍સ સિસ્‍ટમ સક્રિય થઈ ગઈ હતી અને ઈરાની ડ્રોનને હવામાં જ તોડી પાડવા માટે સેના કટોકટીની સ્‍થિતિમાં આવી ગઈ હતી. ગલ્‍ફના આ ત્રણ આરબ દેશોમાં અત્‍યાર સુધી મોટા નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ નથી, પરંતુ ઈરાને સ્‍પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની સૈન્‍ય કાર્યવાહી બંધ નહીં કરે, તો આ પ્રદેશમાં આવેલા અન્‍ય તમામ યુએસ સૈન્‍ય મથકો પર આનાથી પણ વધુ ભયાનક હુમલા કરવામાં આવશે.

આ ભીષણ લશ્‍કરી ટકરાવ એવા સમયે સામે આવ્‍યો છે જ્‍યારે ઈરાનમાં તેના પૂર્વ સર્વોચ્‍ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્‍કારની વિધિઓ ચાલી રહી હતી. આ મુશ્‍કેલ સમયમાં આ પ્રકારના હુમલાઓ થવાથી સમગ્ર મધ્‍યપ્રપૂર્વ ફરી એકવાર ભયાનક યુદ્ધની આગમાં હોમાય તેવી દહેશત ઉભી થઈ છે. ગલ્‍ફ દેશોના આ વળતા પ્રહારો અને અમેરિકા દ્વારા ઈરાનના ઓઈલ વેચાણ પર લાદવામાં આવેલા નવા કડક આંતરરાષ્‍ટ્રીય પ્રતિબંધોને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ઉર્જા સુરક્ષાને મોટો ફટકો પડવાની આશંકા છે. આંતરરાષ્‍ટ્રીય મધ્‍યસ્‍થીઓ અત્‍યારે આ નાજુક યુદ્ધવિરામને બચાવવા માટે આટોટોપ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ બંને પક્ષો વચ્‍ચે વધતો જતો અવિશ્વાસ આ વૈશ્વિક કટોકટીને વધુ ઘેરી બનાવી રહ્યો છે.

(3:02 PM IST)