News of Tuesday, 22nd September 2026
જપ્ત કરાયેલા અમેરિકન અને ઈઝરાયેલી જહાજો-માલસામાનની ઈરાન હરાજી કરશે: અબજો ડોલરની સંપત્તિ ખુલ્લા બજારમાં વેચાશે
હરાજીમાંથી મળનારી રકમ અમેરિકી લશ્કરી હુમલાનો ભોગ બનેલા પિડિતોના પરિવારોને વળતર રૂપે અપાશે: ઈરાનની ન્યાયિક સિસ્ટમની જાહેરાતથી વોશિંગ્ટનથી તેલ અવીવ સુધી ખળભળાટ

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે ઈરાને એક અત્યંત કડક અને વિવાદિત નિર્ણય લઈને અમેરિકા તથા ઈઝરાયેલને મોટો ઝાટકો આપ્યો છે. ઈરાની સરકારે જાહેરાત કરી છે કે પર્સિયન ગલ્ફ અને ઓમાનના સમુદ્રમાંથી જપ્ત કરવામાં આવેલા અમેરિકા અને ઈઝરાયેલના કબ્જા હેઠળના કરોડો-અબજો ડોલરની કિંમતના જહાજો અને તેનો કિંમતી માલસામાન (કાર્ગો) ખુલ્લા બજારમાં હરાજી કરીને વેચી દેવામાં આવશે.
'મીઝાન'ના અહેવાલ મુજબ, ઈરાનની ન્યાયિક પ્રણાલીના સીનિયર અધિકારી અને ન્યાયિક વકીલોના કેન્દ્રના વડા હસન અબ્દોલિયાનપોરે આ નિર્ણયની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પર્સિયન ગલ્ફ અને ઓમાની દરિયાઈ વિસ્તારમાંથી કાયદાકીય જોગવાઈઓ હેઠળ જપ્ત કરાયેલા અમેરિકી અને ઈઝરાયેલી માલિકીના વેપારી જહાજો અને ટેન્કરોની હવે કાયદેસર હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, સુરક્ષા અને વ્યૂહાત્મક કારણોસર હાલ કેટલા જહાજો અને કેટલો માલસામાન ઈરાનના કબ્જામાં છે તેની સત્તાવાર સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
ઈરાને આ હરાજી પાછળ પોતાની આગવી માનવતાવાદી નીતિ રજૂ કરી છે. ઈરાની સરકાર મુજબ, આ જહાજો અને કાર્ગોના વેચાણથી મળનારી તમામ રકમ સરકારી ખજાનામાં જમા કરાવવાને બદલે યુએસ લશ્કરી હુમલાઓ અને આર્થિક પ્રતિબંધોને કારણે સ્વજનો ગુમાવનારા ઈરાની પરિવારોને 'વળતર' સ્વરૂપે વહેંચવામાં આવશે. તેહરાન આ આખી પ્રક્રિયાને કાનૂની અને નૈતિક વળતર ગણાવી રહ્યું છે.
બીજી તરફ, પર્સિયન ગલ્ફ અને હોર્મુઝમાં વધતી જતી આવી ઘટનાઓથી આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર ગંભીર અસર પડી છે. ઈરાન દ્વારા ભૂતકાળમાં પણ અમેરિકાના આર્થિક પ્રતિબંધો અને ઈરાની ટેન્કરો રોકવાના વિરોધમાં આવા જહાજો જપ્ત કરવામાં આવ્યા છે. ઈરાનના આ હરાજીના નિર્ણય સામે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તેને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનો અનાદર અને 'રાજકીય ચાંચિયાગીરી' ગણાવી વૈશ્વિક મંચ પર ઈરાન ઘેરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
