તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
હોર્મુઝમાં ઈરાનનો હુમલોઃ IRGCએ જહાજના કંટ્રોલ રૂમ પર કર્યો બેફામ ગોળીબાર
સીઝફાયરનું સુરસુરીયું : અમેરિકા સાથેના યુદ્ધવિરામ વચ્ચે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની આક્રમકતાએ રણનીતિક સમીકરણો બદલ્યા

મસ્કત, તા.૨૨: પヘમિ એશિયામાં શાંતિની કોશિશ કરી રહેલા વિશ્વ માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ડરામણા સમાચાર સામે આવ્યા છે. યુએસ પ્રમુખ દ્વારા યુદ્ધવિરામ લંબાવવાની સત્તાવાર જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ, ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આક્રમક વલણ અપનાવતા એક કન્ટેનર જહાજ પર હુમલો કર્યો છે. ઓમાનથી આશરે ૧૫ નોટિકલ માઇલ ઉત્તર-પૂર્વમાં બનેલી આ ઘટનામાં, ઈરાની ગનબોટ્સે જહાજને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં જહાજના સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘બ્રિજ' એટલે કે કંટ્રોલ રૂમને ભારે નુકસાન થયું છે, જેના કારણે જહાજનું સંચાલન ખોરવાઈ ગયું હતું. સદનસીબે, જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ હુમલાએ આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા પર મોટા પ્રશ્નાર્થ ચિホો ઉભા કર્યા છે.
તણાવની આ ચિનગારી ત્યારે ભડકી જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની મંત્રણાઓ રદ થઈ અને પરસ્પર અવિશ્વાસ વધ્યો. હોર્મુઝ સ્ટ્રેટમાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી આ ત્રીજી મોટી ઘટના છે. નોંધનીય છે કે આ અગાઉના બે હુમલામાં અમેરિકી દળોએ ઈરાની જહાજો પર કાર્યવાહી કરી હતી, જેના વળતા પ્રહાર રૂપે ઈરાને હવે કન્ટેનર જહાજોને સોફ્ટ ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગે છે. ઈરાન આ આંતરરાષ્ટ્રીય માર્ગ પર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કરવા માંગે છે અને પસાર થતા જહાજો પાસેથી ‘ટોલ' વસૂલવાની જીદ પકડીને બેઠું છે. બીજી તરફ, અમેરિકી નૌકાદળ દ્વારા લાદવામાં આવેલી દરિયાઈ નાકાબંધીએ ઈરાનને વધુ ઉશ્કેર્યું છે, જેના પરિણામે આ વ્યૂહાત્મક માર્ગ હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ રહ્યો છે.યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ એ જહાજોને આ વિસ્તારમાં અત્યંત સાવધ રહેવાની ચેતવણી આપી છે. ઈરાનનો દાવો છે કે આ જહાજ તેમની ચેતવણીઓને અવગણી રહ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય તેને નરી ઉશ્કેરણી ગણાવી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના ૨૦% તેલના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે; જો અહીં સંઘર્ષ વધુ વકરશે તો તેની સીધી અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ક્રૂડ ઓઈલના ભાવો પર જોવા મળી શકે છે. હાલમાં અમેરિકા તેની નાકાબંધી હટાવવા તૈયાર નથી અને ઈરાન નમતું જોખવા તૈયાર નથી, જે જોતા આગામી દિવસોમાં આ વિસ્તારમાં વધુ સૈન્ય ગતિવિધિઓ જોવા મળી શકે છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
