News of Wednesday, 27th May 2026
ઈરાન કે અમેરિકા... યુદ્ધ કોણ હારી ગયું? અમેરિકનોએ ચાર અલગ અલગ સર્વેક્ષણોમાં ટ્રમ્પ પ્રશાસનનો ભ્રમ ભાંગ્યો
આયાતુલ્લાહ ખામેનીની હત્યા છતાં તેહરાનમાં બળવો કરાવવામાં વોશિંગ્ટન નિષ્ફળ: ૬૯% અમેરિકનોને આશંકા કે યુદ્ધ બાદ પણ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રોકી શકાશે નહીં અને દેશ પર આતંકવાદનો ખતરો વધશે

વોશિંગ્ટન: ઈરાન સામેના સૈન્ય સંઘર્ષમાં પોતાની જીતના દાવા કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુદ તેમના જ દેશની જનતાએ અરીસો બતાવ્યો છે. તાજેતરમાં અમેરિકાની ટોચની ચાર સર્વેક્ષણ એજન્સીઓ ન્યૂ યોર્ક ટાઇમ્સ, એબીસી ન્યૂઝ, સીએનએન અને પ્યુ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓએ વ્હાઇટ હાઉસના તમામ દાવાઓની હવા કાઢી નાખી છે. ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર ભીષણ હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની માર્યા ગયા હતા. આટલી મોટી ઘટના છતાં, ઈરાનમાં શાસન પલટો કે સૈન્ય બળવો કરાવવાનો અમેરિકાનો આખરી પ્લાન ધબડકો સાબિત થયો છે અને હવે અમેરિકી પ્રજા જ માની રહી છે કે આ યુદ્ધમાં વોશિંગ્ટનની રણનીતિ ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે.
આ સર્વેક્ષણોના ચોંકાવનારા પરિણામો દર્શાવે છે કે ૫૦ ટકાથી વધુ અમેરિકનો સૈન્ય તાકાતના જોરે ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાની ટ્રમ્પની નીતિને અશક્ય માની રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટ-એબીસીના સર્વેમાં તો ૬૯ ટકા લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં પણ ઈરાન પોતાના પરમાણુ મિશનથી પાછું નહીં હટે. આ ઉપરાંત, સામાન્ય અમેરિકનોમાં મોટો ભય એ વાતનો છે કે આ આક્રમકતાના કારણે ખુદ અમેરિકાની ધરતી પર આતંકવાદી હુમલાઓનું જોખમ વધી ગયું છે. એબીસીના સર્વે મુજબ, ૬૧ ટકા લોકો માને છે કે આ યુદ્ધે વૈશ્વિક સ્તરે અમેરિકનોની સુરક્ષા જોખમમાં મૂકી દીધી છે, જ્યારે ૫૯ ટકા નાગરિકોને ટ્રમ્પના નિર્ણયો અને ઈરાન પોલિસી પર સહેજ પણ ભરોસો રહ્યો નથી.
પોતાની જ પ્રજા નકારાત્મક ચુકાદો આપતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન મીડિયા અને વિપક્ષી ડેમોક્રેટ્સ પર બગડ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની નૌકાદળ તબાહ થઈ ચૂકી છે અને તેહરાનમાં સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યા છે, છતાં પૂર્વગ્રહયુક્ત મીડિયા તેને અમેરિકાની વિજયગાથા તરીકે સ્વીકારવા તૈયાર નથી. જોકે, સંરક્ષણ વિશ્લેષકોનું માનવું છે કે જમીની હકીકત અલગ છે અને કોઈ મજબૂત રાજદ્વારી કરાર વગર આ યુદ્ધ લાંબુ ખેંચાશે તો મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં સ્થિતિ વધુ બેકાબૂ બનશે, જે આખરે અમેરિકા માટે આર્થિક અને સૈન્ય સ્તરે મોટો પરાજય સાબિત થઈ શકે છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
