<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ઈન્વેસ્ટર્સ નોંધી લેજો: આગામી સપ્તાહમાં શેરબજારમાં રહેશે રજા, જાણો કયા દિવસે દલાલ સ્ટ્રીટમાં ‘તાળા’ લાગશે અને ક્યાં થશે ટ્રેડિંગ!

બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે 14 એપ્રિલે BSE અને NSE બંધ રહેશે: પાંચ દિવસના બદલે માત્ર ચાર દિવસ જ થશે કામકાજ, કોમોડિટી માર્કેટમાં જોવા મળશે આંશિક રજા

મુંબઈ: ભારતીય શેરબજાર અત્યારે રેકોર્ડબ્રેક તેજીના મોજા પર સવાર છે. છેલ્લા પાંચ વર્ષમાં જોવા મળ્યું હોય તેવું શાનદાર સાપ્તાહિક પ્રદર્શન બજારમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીથી યુદ્ધવિરામની વાતો વહેતી થતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. જોકે, આગામી સપ્તાહે ટ્રેડિંગ શરૂ કરતા પહેલા રોકાણકારોએ કેલેન્ડર તપાસી લેવાની જરૂર છે, કારણ કે આગામી સપ્તાહ કામકાજની દ્રષ્ટિએ ટૂંકું રહેવાનું છે.
14 એપ્રિલે મંગળવારે રજા
વર્ષ 2026 માટે જાહેર કરાયેલી શેરબજારની સત્તાવાર રજાઓની યાદી મુજબ, આગામી 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતીના પવિત્ર અવસર પર ભારતીય શેરબજારમાં રજા રહેશે. આ દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં.
કયા સેગમેન્ટ્સ સંપૂર્ણપણે બંધ રહેશે?
મંગળવારે ઈક્વિટી સેગમેન્ટ અને ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. આ ઉપરાંત, કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ, NDS-RST અને ટ્રાઈ પાર્ટી રેપો (Tri Party Repo) સેગમેન્ટમાં પણ કોઈ જ કામકાજ હાથ ધરવામાં આવશે નહીં. એટલે કે, જે લોકો ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કરે છે તેમણે આ રજાને ધ્યાનમાં રાખીને પોતાની પોઝિશન સેટ કરવી પડશે.
કોમોડિટી અને સોનાના બજારમાં ‘હાફ-ડે’
બીજી તરફ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR) સેગમેન્ટમાં રજાનો માહોલ થોડો અલગ રહેશે. અહીં સવારની શિફ્ટ (સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી) દરમિયાન કામકાજ બંધ રહેશે. પરંતુ, સાંજની શિફ્ટમાં એટલે કે સાંજે 5:00 વાગ્યા પછી ટ્રેડિંગ ફરી શરૂ થશે, જેથી સાંજના સત્રમાં રોકાણકારોને તક મળશે.
એપ્રિલ મહિનાની છેલ્લી રજા
નોંધનીય છે કે એપ્રિલ 2026માં શેરબજારમાં કુલ બે રજાઓ હતી. પહેલી રજા 3 એપ્રિલે ગુડ ફ્રાઈડેની હતી અને હવે 14 એપ્રિલે બીજી રજા રહેશે. આ રજા બાદ એપ્રિલ મહિનામાં હવે કોઈ રજા નથી. બજારમાં હવે પછીની સીધી રજા 1 મે, 2026 ના રોજ 'મહારાષ્ટ્ર દિવસ' નિમિત્તે આવશે.
રોકાણકારોએ આગામી સપ્તાહમાં આ રજાને ધ્યાનમાં રાખીને પોતાના નાણાકીય વ્યવહારો અને ટ્રેડિંગ વ્યૂહરચના ઘડવી હિતાવહ છે. શનિવાર અને રવિવારની રજા બાદ સોમવારે બજાર ખુલશે, પરંતુ મંગળવારે ફરી બ્રેક લાગશે.

(9:34 PM IST)