<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

રોકાણકારો સાવધાન! 1 સપ્ટેમ્બર પહેલા પતાવી લો આ કામ : નહીં તો અટકી શકે છે તમારા નાણાં

સેબીના નવા ‘નોમિનેશન’ નિયમોથી રોકાણની દુનિયામાં મોટો ફેરફાર: મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં વારસદારની વિગતો હવે ફરજિયાત : ડિજિટલ હસ્તાક્ષર અને OTP દ્વારા પ્રક્રિયા બનશે વધુ સરળ અને સુરક્ષિત

મુંબઈ:  ભારતીય શેરબજારના નિયમનકાર સેબી  એ રોકાણકારોના હિતમાં એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, જે અંતર્ગત 1 સપ્ટેમ્બર, 2026 થી ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશનના નિયમો સંપૂર્ણપણે બદલાઈ જશે. આ નવા ફેરફાર મુજબ, દરેક સિંગલ હોલ્ડર ખાતાધારકે કાં તો નોમિનીનું નામ આપવું પડશે અથવા સત્તાવાર રીતે 'ઓપ્ટ-આઉટ' ફોર્મ ભરીને તેમાંથી બહાર નીકળવું પડશે. સેબીનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારના આકસ્મિક મૃત્યુ બાદ તેના પરિવારજનોને કાનૂની ગૂંચવણો વગર સરળતાથી સંપત્તિ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે, જેથી વર્ષો સુધી અટવાયેલા રહેતા 'અનક્લેમ્ડ ફંડ્સ'ની સંખ્યા ઘટાડી શકાય.

તકનીકી રીતે આ પ્રક્રિયાને હવે વધુ 'યુઝર ફ્રેન્ડલી' બનાવવામાં આવી છે. હવે રોકાણકારો પોતાના એકાઉન્ટમાં મહત્તમ ત્રણ નોમિની ઉમેરી શકશે અને જો હિસ્સો નક્કી ન કર્યો હોય, તો તમામને સમાન ભાગ મળશે. ખાસ વાત એ છે કે ઓનલાઈન નોમિનેશન માટે હવે આધાર-આધારિત ઈ-સિગ્નેચર અથવા ટુ-ફેક્ટર OTP ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકાશે, જેનાથી કાગળકામનો બોજ ઘટશે. ઓફલાઈન ફોર્મ ભરતી વખતે પણ હવે સાક્ષીઓની જરૂર રહેશે નહીં, જે સામાન્ય રોકાણકારો માટે મોટી રાહત સમાન છે. માત્ર અંગૂઠાની છાપ મારનાર વ્યક્તિએ જ બે સાક્ષીઓ લાવવા પડશે.

આગામી સમયમાં જે રોકાણકારોએ નોમિનેશન પૂર્ણ નહીં કર્યું હોય, તેમને સેબી તરફથી વર્ષમાં બે વાર એસએમએસ અને ઈમેઈલ દ્વારા રિમાઈન્ડર મોકલવામાં આવશે. એટલું જ નહીં, ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લોગિન કરતી વખતે પણ પોપ-અપ મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવશે. રોકાણકારો પાસે ગમે ત્યારે નોમિની બદલવાની કે દૂર કરવાની સ્વતંત્રતા રહેશે, પરંતુ દરેક ફેરફાર વખતે સંસ્થાઓએ તેની પાકી રસીદ આપવી ફરજિયાત રહેશે. 1 સપ્ટેમ્બરની સમયમર્યાદા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી એ માત્ર કાયદાકીય જરૂરિયાત નથી, પરંતુ તમારા પરિવારના આર્થિક ભવિષ્યની સુરક્ષા માટેનું મહત્વનું પગલું છે.

(8:21 PM IST)