<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ચોરીના આઈફોનની આઈડી રિમૂવ કરી નેપાળ-બાંગ્લાદેશમાં વેચતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ: મુંબઈ પોલીસે ૪ આરોપીઓની કરી ધરપકડ!

જે આઈફોનની આઈડી અનલોક ન થાય તેના સ્પેરપાર્ટ્સ અલગ કરી સસ્તા ભાવે વેચી દેવાતા; પોલીસે ૬૪ આઈફોન અને છૂટા પાર્ટ્સ સહિત મોટો મુદ્દામાલ કર્યો જપ્ત

મુંબઈ : ભારતના વિવિધ રાજ્યોમાંથી આઈફોન ચોરી કરીને તેની આઈડી રિમૂવ (અનલોક) કર્યા બાદ વિદેશોમાં કાળાબજારી કરતી એક શાતીર આંતરરાજ્ય ગેંગનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરતા આ ટોળકીના ૪ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ જે આઈફોનની આઈડી રિમૂવ કરી શકતી ન હતી, તેના તમામ સ્પેરપાર્ટ્સ અલગ-અલગ કરીને તેને બજારમાં સસ્તા ભાવે વેચી દેતી હતી. પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીના ૬૪ મોંઘા આઈફોન અને ૨૦ ફોનના છૂટા કરેલા પાર્ટ્સ જપ્ત કર્યા છે.

 

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો મે ૨૦૨૬ માં નોંધાયેલી આઈફોન ચોરીની એક ફરિયાદની તપાસ દરમિયાન થયો હતો. ચોરાયેલા એક આઈફોનમાં અચાનક નવું સિમ કાર્ડ નાખીને તેને ચાલુ કરવામાં આવતા જ પોલીસને તેનું લોકેશન મળી ગયું હતું. આઈએમઈઆઈ (IMEI) નંબર અને સિમ કાર્ડ ટ્રેસ કરીને પોલીસે સૌપ્રથમ એક શંકાસ્પદને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી ૨૧ આઈફોન અને ૧૨ સિમ કાર્ડ મળ્યા હતા. તેની કડક પૂછપરછ બાદ સમગ્ર ગેંગના અન્ય સાગરીતો સુધી પોલીસ પહોંચી શકી હતી.

 

પોલીસના જણાવ્યા અનુસાર, આઈફોનનો IMEI નંબર બદલી શકાતો ન હોવાથી ભારતીય પોલીસના હાથથી બચવા માટે આરોપીઓ આઈડી રિમૂવ કર્યા બાદ ફોન નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોમાં વેચી દેતા હતા. આ ટોળકીની ધરપકડ થતાં તેલંગણાના ૧૧, મુંબઈ-મહારાષ્ટ્રના ૧૯, દિલ્હીના ૩, કર્ણાટકના ૨ તેમજ રાજસ્થાન, તમિળનાડુ અને ઉત્તરાખંડના ૧-૧ મળીને દેશભરના અનેક ચોરીના ગુનાઓ ઉકેલાયા છે.

 

(7:38 PM IST)