તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ઇન્ટરનેટ, મેટ્રો, રસ્તા... બધું બંધ કરાવ્યું પણ પેપરલીક બંધ ના કરાવી શકયા
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો શિક્ષણ મંત્રીનું રાજીનામું: પોલીસ અધિકારીઓ સામે જેલની કાર્યવાહી અને પીએમની માફીની માંગ કરી

નવી દિલ્હી, તા.૨૫: દેશની રાજધાની દિલ્હીનું જંતર-મંતર હાલ વિદ્યાર્થીઓના ઉગ્ર આક્રોશ અને વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બન્યું છે, જેણે કેન્દ્ર સરકારના પાયા હલાવી દીધા છે. આ ગરમ વાતાવરણ વચ્ચે ૧૦ જનપથથી ધમાકેદાર પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થી આંદોલનમાં ઝંપલાવ્યું છે. મોદી સરકાર સામે યુવાનોના આક્રોશને વાચા આપતાં તેમણે આરપારની લડાઈનું એલાન કર્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે આ સંગ્રામમાં કોઈ સમજૂતી શકય નથી.
રાહુલ ગાંધીએ સરકાર સામે ત્રણ આકરી શરતો મૂકતા સૌથી પહેલો પ્રહાર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર ધર્મેન્દ્ર પ્રધાનને અન્ય મંત્રાલયમાં ખસેડવાની અફવાઓ ચાલી રહી છે, પણ માત્ર મંત્રાલય બદલવાથી કામ નહીં ચાલે; તેમને તાત્કાલિક પ્રધાનમંડળમાંથી જ બરખાસ્ત કરવામાં આવે. આ સાથે જ, આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા અમાનુષી લાઠીચાર્જનો વિરોધ કરતા તેમણે જણાવ્યું કે એક નિર્દોષ વિદ્યાર્થીએ પોતાની આંખોની રોશની ગુમાવી છે અને અનેક લોહીલુહાણ થયા છે. આ હિંસા માટે જવાબદાર તમામ અધિકારીઓને જેલભેગા કરવાની તેમણે ઉગ્ર માગ કરી છે.
અંતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા સામે આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દેશનો યુવા ન્યાય માટે રસ્તા પર લોહી વહાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન માત્ર વીડિયો મેસેજ બનાવીને બોગસ સલાહો આપી રહ્યા છે. યુવાનોને સલાહની નહીં પણ નક્કર ન્યાયની જરૂર છે. તેમણે આગ્રહ રાખ્યો કે વડાપ્રધાન દેશના યુવાનો પર થયેલા પ્રહારોની જવાબદારી સ્વીકારે અને દેશ સમક્ષ જાહેરમાં માફી માંગે. જ્યાં સુધી આ ત્રણેય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને જનતા પીછેહઠ નહીં કરે તેવી સીધી ચેતવણી આપવામાં આવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
