તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ૨૦૨૬: વિશ્વના ૭૦% વાઘ સાથે ભારત બન્યું વૈશ્વિક સંરક્ષણનું શિરમોર; વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિએ વન કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયોના યોગદાનને બિરદાવ્યું
૨૦૧૦ માં શરૂ થયેલા 'Tx2' લક્ષ્યાંક બાદ જંગલી વાઘની વસ્તીમાં ૭૮% નો રેકોર્ડબ્રેક વધારો: ટેકનોલોજી આધારિત દેખરેખ અને એન્ટી-પોચિંગ ઝુંબેશથી ભારતે મેળવી સફળતા

નવી દિલ્હી : આજે સમગ્ર વિશ્વમાં જંગલી વાઘના સંરક્ષણ, તેમના કુદરતી રહેઠાણોની જાળવણી અને લુપ્ત થતી પ્રજાતિઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે 'આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ૨૦૨૬' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વિજ્ઞાન-આધારિત નીતિઓ અને મજબૂત સંસ્થાકીય સમર્થનના બળે ભારતે વિશ્વના આશરે ૭૦ ટકા જંગલી વાઘને સુરક્ષિત આશ્રય આપીને વૈશ્વિક સ્તરે વાઘ સંરક્ષણ ક્ષેત્રે નેતૃત્વ પુરું પાડ્યું છે.
સેન્ટ પીટર્સબર્ગ સમિટથી શરૂ થયેલી વૈશ્વિક ક્રાંતિ:
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર ૨૦૧૦ માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલી ટાઇગર સમિટ દરમિયાન આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે ભારત સહિત ૧૩ દેશોના નેતાઓએ ૨૦૨૨ સુધીમાં વિશ્વમાં વાઘની વસ્તી બમણી કરવાનો મહત્વાકાંક્ષી 'Tx2' ધ્યેય અપનાવ્યો હતો. ૨૦૧૦ માં સમગ્ર વિશ્વમાં માત્ર ૩,૨૦૦ જંગલી વાઘ બચ્યા હતા, જે તાજેતરના વૈશ્વિક અંદાજો મુજબ વધીને ૫,૭૧૧ થી વધુ થઈ ગયા છે, જે વાઘની વસ્તીમાં આશરે ૭૮ ટકાનો ભવ્ય વધારો દર્શાવે છે.
વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છાઓ:
આ ખાસ અવસરે ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય વન તથા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દેશવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારતની આ સિદ્ધિ પાછળ વન કર્મચારીઓ, સંશોધક વૈજ્ઞાનિકો, સંરક્ષણવાદીઓ અને સ્થાનિક સમુદાયોનું અતૂટ સમર્પણ રહેલું છે. તેમણે માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષને ઘટાડવા તથા જંગલ-આધારિત સમુદાયોને સશક્ત બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી હતી.
ભારતની શ્રેષ્ઠ સંરક્ષણ પ્રણાલી:
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉમેર્યું હતું કે, પ્રોત્સાહક આંકડાઓ ભારતીય જંગલોના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યનું પ્રતીક છે. આધુનિક ટેકનોલોજી-આધારિત કેમેરા ટ્રેપિંગ, શિકાર વિરોધી કડક પગલાં (Anti-poaching measures) અને સ્થાનિક ગ્રામજનોની ભાગીદારીના કારણે જ ભારત વાઘ અને સમગ્ર ઇકોસિસ્ટમનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
