News of Monday, 27th April 2026
મુંબઈમાં ગાયને ઘાસ ખવડાવતી આંતરરાષ્ટ્રીય સિંગર રિહાના સોશિયલ મીડિયા પર ટ્રોલ : ૪.૩ લાખના લેધર બેગને લઈને વિવાદ
અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયાની મુલાકાત દરમિયાન એનિમલ લેધરના ડાયોર હેન્ડબેગ સાથે ગૌસેવા કરતા નેટિઝન્સે સવાલો ઉઠાવ્યા : ફેન્ટી બ્યુટીના લોન્ચિંગ માટે ભારત આવી છે પોપ સ્ટાર

મુંબઈ:પોતાની બ્રાન્ડ 'ફેન્ટી બ્યુટી' ના લોન્ચિંગ માટે ભારત આવેલી આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાના અત્યારે તેના એક ફોટાને કારણે સોશિયલ મીડિયા પર વિવાદોમાં ઘેરાઈ છે. રિહાનાએ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની મુલાકાત લીધી હતી, જ્યાં તેણે ગાયને ઘાસ ખવડાવ્યું હતું. જોકે, આ ગૌસેવા દરમિયાન તેના હાથમાં રહેલા ૪.૩ લાખ રૂપિયાની કિંમતના લક્ઝરી 'ડાયોર' હેન્ડબેગ પર નેટિઝન્સની નજર પડતા વિરોધ શરૂ થયો છે. આ બેગ પ્રાણીઓના ચામડા (કાફસ્કિન અને લેમ્બસ્કિન) માંથી બનેલું હોવાથી લોકો તેને રિહાનાનો દંભ ગણાવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા:
રિહાનાનો ગાયને ઘાસ ખવડાવતો ફોટો વાયરલ થતા જ યુઝર્સે ટીકાઓનો મારો ચલાવ્યો છે. એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, "આશા છે કે ગાય તેના પોતાના જ ચામડામાંથી બનેલા બેગને ઓળખી નહીં જાય." જ્યારે અન્ય કેટલાક યુઝર્સે આ બાબતને ગ્લોબલ લક્ઝરી કલ્ચરનો ભાગ ગણાવીને તેનો બચાવ પણ કર્યો છે. આ વિવાદને કારણે ઈન્ટરનેટ પર પ્રાણીપ્રેમ અને લેધર પ્રોડક્ટ્સના ઉપયોગ વચ્ચેના વિરોધાભાસ પર મોટી ચર્ચા છેડાઈ છે.
એન્ટિલિયામાં ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતિક કાર્યક્રમો:
રિહાના અને તેની ટીમનું અંબાણી પરિવાર દ્વારા એન્ટિલિયા ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈશા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ વ્યક્તિગત રીતે તેની યજમાની કરી હતી. રિહાનાના આગમન સમયે પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જે જોઈને પોપ સ્ટાર અભિભૂત થઈ ગઈ હતી.
પૂજા અર્ચના અને ફૂલોની હોળીનો આનંદ:
મુલાકાત દરમિયાન રિહાનાએ ભારતીય સંસ્કૃતિનો લ્હાવો લીધો હતો. તેણે અંબાણી પરિવાર સાથે આરતી અને પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તેણે પરિવારના સભ્યો સાથે 'ફૂલોની હોળી' રમી હતી અને મન મૂકીને ડાન્સ પણ કર્યો હતો. અંબાણી પરિવારે રિહાના માટે ખાસ લંચનું આયોજન કર્યું હતું, જેમાં તેણે વિવિધ ભારતીય વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ૨૪ એપ્રિલે ભારત આવેલી રિહાનાની આ મુલાકાત અત્યારે તેના લક્ઝરી બેગના વિવાદને કારણે સૌથી વધુ ચર્ચામાં છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
