<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ખાદ્ય પદાર્થોની આડમાં વિદેશોમાં ડ્રગ્સ ઘુસાડતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ: મુંબઈ પોલીસે ₹૩૭.૧૭ કરોડના કેટામાઈન સાથે ૨ આરોપીઓને દબોચ્યા!

અંધેરી-કુર્લા રોડ પરથી ૧૨ કિલોથી વધુ ક્રિસ્ટલ ડ્રગ્સ જપ્ત: થાઈલેન્ડ, મ્યાનમાર અને મલેશિયા સુધી ફેલાયેલું હતું ડ્રગ સપ્લાયનું મજબૂત નેટવર્ક.

મુંબઈ : મુંબઈની એમઆઈડીસી (MIDC) પોલીસે ખાદ્ય પદાર્થોની આડમાં વિદેશોમાં નશીલા પદાર્થોની તસ્કરી કરતી એક મોટા ગજાની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ગિરોહનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ મેટ્રો સ્ટેશન નજીકથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા દક્ષિણ મુંબઈના બે તસ્કરો પાસેથી પોલીસે અંદાજે ₹૩૭.૧૭ કરોડની કિંમતનું ૧૨ કિલોથી વધુ 'કેટામાઈન' (Ketamine) ડ્રગ્સ જપ્ત કર્યું છે. પકડાયેલા આરોપીઓની ઓળખ અદનાન અહમદ નિયાઝ અહમદ સિદ્દીકી (૩૫, રહે. મઝગાંવ) અને સૌદ મુશ્તાક મણિયાર (૨૯, રહે. ગિરગામ) તરીકે થઈ છે.

 

પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારની રાત્રે એપીઆઈ ઉલ્હાસ ખોલમની ટીમે અંધેરી-કુર્લા રોડ પર પેટ્રોલીંગ દરમિયાન ટ્રાવેલ બેગ સાથે શંકાસ્પદ હિલચાલ કરી રહેલા બંને યુવકોને રોક્યા હતા. પૂછપરછ દરમિયાન ઉડાઉ જવાબો આપતાં પોલીસે તેમની બેગની તલાશી લીધી હતી, જેમાંથી સફેદ રંગનો ક્રિસ્ટલ પાઉડર મળી આવ્યો હતો. ફોરેન્સિક અને ટેકનિકલ તપાસમાં આ પાઉડર કેટામાઈન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે MIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંનેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.

 

સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બંને આરોપીઓ હવાઈ માર્ગે ખાદ્ય પદાર્થોમાં ડ્રગ્સ છુપાવીને થાઈલેન્ડ, મ્યાનમાર, મલેશિયા સહિતના અન્ય દેશોમાં મોકલતી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના સક્રિય સભ્યો છે. તેઓ મુંબઈમાં આ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કોઈ ગ્રાહકને સપ્લાય કરવા આવ્યા હતા. હાલ પોલીસ આ ડ્રગ્સનો મુખ્ય સ્ત્રોત (સોર્સ) કોણ હતો અને વિદેશમાં રહેલા કયા આકાઓના કહેવાથી આ નેટવર્ક ચાલતું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

(8:30 PM IST)