<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મુંબઈથી નવી મુંબઈમાં શિફ્ટ થઈ રહી છે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ! ઈન્ડિગોએ 12 દેશોના રૂટ માટે જાહેર કરી માસ્ટર પ્લાનિંગ

એરપોર્ટ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ અને ઈન્ડિગોનો મોટો નિર્ણય: વર્ષ 2027થી નવી મુંબઈ એરપોર્ટથી ધમધમશે વૈશ્વિક ઉડાન

મુંબઈ:    મુંબઈ અને તેની આસપાસના વિસ્તારના હવાઈ મુસાફરો માટે મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ  પર ફ્લાઈટ્સના વધતા ભારે દબાણ અને ટ્રાફિકને હળવો કરવા માટે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને દેશની દિગ્ગજ એરલાઈન ઈન્ડિગો  એ એક વિશાળ વ્યૂહાત્મક પ્લાન તૈયાર કર્યો છે. આ યોજના હેઠળ મુંબઈ એરપોર્ટથી સંચાલિત થતી ડઝનબંધ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને તબક્કાવાર રીતે નવતર અને આધુનિક 'નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ' પર સ્થાનાંતરિત (ટ્રાન્સફર) કરવામાં આવશે. ઈન્ડિગો ફેબ્રુઆરી 2027થી જુલાઈ 2027 વચ્ચે પોતાની 12 દૈનિક આંતરરાષ્ટ્રીય ઉડાનોને નવી મુંબઈ શિફ્ટ કરીને આ ઐતિહાસિક બદલાવની શરૂઆત કરવા જઈ રહી છે.

ઈન્ડિગોના માસ્ટર પ્લાન મુજબ, શરૂઆતી તબક્કામાં મધ્ય પૂર્વ અને એશિયાના મહત્ત્વના સ્થળો જેવા કે બહેરીન, રિયાધ, દમ્મામ, જેદ્દાહ, મદીના, કુવૈત, રાસ અલ ખૈમાહ, ફુજૈરાહ, મસ્કત, ઢાકા અને જકાર્તા જતી ફ્લાઈટ્સ હવે નવી મુંબઈથી ટેક-ઓફ કરશે. આ ઉપરાંત, નવી મુંબઈ એરપોર્ટથી નેપાળની રાજધાની કાઠમંડુ માટે એક નવી દૈનિક ડાયરેક્ટ ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવશે. મુસાફરોને એક કનેક્ટિંગ ફ્લાઈટથી બીજી ફ્લાઈટમાં જવામાં કોઈ અગવડ ન પડે તે માટે ઈન્ડિગો પોતાની કેટલીક સ્થાનિક ફ્લાઈટ્સને પણ નવી મુંબઈ શિફ્ટ કરશે. એરલાઈન 2027 માં પોતાના A-320, A-321 અને દૂરના અંતરના A-321 XLR વિમાનોના કાફલા સાથે એશિયા, આફ્રિકા અને યુરોપ સુધીના નવા ઈન્ટરનેશનલ રૂટ્સ શરૂ કરવા માટે પણ પૂરી તૈયારી કરી રહી છે.

આ મહત્ત્વકાંક્ષી સ્થળાંતરથી મુંબઈના બંને એરપોર્ટને મોટો ફાયદો થશે. હાલમાં મુંબઈ એરપોર્ટ પર રનવે અને ટર્મિનલ પર જે ભીડભાડ રહે છે તેમાં નોંધપાત્ર ઘટાડો થશે, જેનાથી ભૂતકાળમાં એર સ્પેસની અછતને કારણે બંધ રહેલા રૂટ્સ પણ ફરી શરૂ થઈ શકશે. આ ઉપરાંત, મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-1 ના વર્ષ 2030 સુધીમાં થનારા ભવ્ય પુનઃવિકાસ  નું કામ પણ આ ફ્લાઈટ્સ શિફ્ટ થવાથી ખુબ સરળ બની જશે. અદાણી એરપોર્ટ અને ઈન્ડિગો વચ્ચે ક્ષમતાનું સંતુલન જાળવીને તમામ જરૂરી સરકારી મંજૂરીઓ મળ્યા બાદ ફ્લાઈટ્સના શિફ્ટિંગની ચોક્કસ તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

(6:48 PM IST)