<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી હુમલો : ક્રૂઝ મિસાઈલ હવામાં જ નષ્ટ કરાઈ

એક અજ્ઞાત પ્રોજેક્ટાઈલ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-4 સાથે અથડાયું બાદમાં ત્યાં આગ લાગી ગઈ

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં એરપોર્ટ પર ફરી એકવાર હુમલો થયો છે. રિપોર્ટ મુજબ, રવિવારના રોજ એક અજ્ઞાત પ્રોજેક્ટાઈલ રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-4 સાથે અથડાયું, જેના પછી ત્યાં આગ લાગી ગઈ. રિપોર્ટ અનુસાર, એરપોર્ટ પાસે એક ક્રૂઝ મિસાઈલને પણ હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી હતી.

  આ હુમલો એક દિવસ પહેલા એટલે કે શનિવાર, 10 ઓક્ટોબરના રોજ એરપોર્ટ પર થયેલા ઘાતક હુમલા પછી થયો છે. શનિવારના હુમલામાં 12 લોકોનાં મૃત્યુ થયા હતા અને 309 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાઉદી અરેબિયાએ આ હુમલા માટે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓને જવાબદાર ઠેરવ્યા છે. મૃતકોમાં ચાર સાઉદી નાગરિક અને આઠ વિદેશી નાગરિક સામેલ હતા, જેમાં એક અમેરિકન નાગરિક પણ હતો.

   હુમલા પછી રિયાધનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રવિવારે પણ બંધ રહ્યું. ફ્લાઇટ-ટ્રેકિંગ સેવા Flightradar24 મુજબ, એરપોર્ટને 12 ઓક્ટોબરની મધ્યરાત્રિ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, સાઉદી વિમાનન અધિકારીઓએ ઉડાનો ફરી શરૂ કરવાનો સમય હજુ નક્કી કર્યો નથી. હૂતી વિદ્રોહીઓએ રવિવારના રોજ એરલાઇન્સ, એરપોર્ટ કર્મચારીઓ અને મુસાફરોને સાઉદી એરપોર્ટનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. વળી, સાઉદી નેતૃત્વવાળા ગઠબંધને હૂતીઓ સામે જવાબી કાર્યવાહી કરવાની વાત કહી છે.

(11:16 PM IST)