<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ટાટા સન્સમાં આંતરિક ઘમાસાણ: નોએલ ટાટા અને એન. ચંદ્રશેખરન વચ્ચેનો વિવાદ ચરમસીમાએ : હવે શું બોર્ડ મીટિંગનું 'સિક્રેટ વીડિયો રેકોર્ડિંગ' ખોલશે કોર્પોરેટ જગતના રહસ્યો?

ટાટા સન્સના ચેરમેન પદે એન. ચંદ્રશેખરનની ત્રીજી વખતની પુનઃનિયુક્તિને ટાટા ટ્રસ્ટ્સે ગેરકાયદે ગણાવી: નોએલ ટાટાએ બોર્ડ પાસે મિનિટ્સ ઓફ મીટિંગ અને વીડિયો ફૂટેજની માંગણી કરતા બોર્ડરૂમ ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો

મુંબઈ  :  'ટાટા ગ્રુપ'ના બોર્ડરૂમમાં અત્યારે અકલ્પનીય આંતરિક વિવાદ અને ઘમાસાણ સર્જાયું છે. ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ત્રીજો કાર્યકાળ આપવાના નિર્ણય સામે ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ખુલ્લો મોરચો માંડ્યો છે. આ પુનઃનિયુક્તિથી ભારે નારાજ નોએલ ટાટાએ હવે ટાટા સન્સના બોર્ડને પત્ર લખીને 17 સપ્ટેમ્બરની વિવાદિત બોર્ડ મીટિંગના તમામ મિનિટ્સ અને સિક્રેટ વીડિયો રેકોર્ડિંગ્સની સત્તાવાર માંગણી કરી છે. આ મામલે 30 સપ્ટેમ્બરે ઈમેલ મોકલીને નોએલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એજન્ડામાં સામેલ ન હોવા છતાં "એનઆરસી તરફથી માહિતી" શીર્ષક હેઠળ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિનો પ્રસ્તાવ અચાનક કેવી રીતે રજૂ કરી દેવાયો.

આ હાઇપ્રોફાઈલ વિવાદના મૂળમાં ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન (AoA) ની જટિલ કાનૂની કલમો અને વોટિંગ પ્રક્રિયા રહેલી છે. ટાટા ટ્રસ્ટ્સ, જે ટાટા સન્સમાં સૌથી મોટી શેરહોલ્ડર છે, તેણે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિના ઠરાવને "ગેરકાયદેસર" અને "કાયદાકીય રીતે અમાન્ય" ગણાવ્યો છે. નોએલ ટાટા, જેઓ બોર્ડમાં નોમિની ડિરેક્ટર પણ છે, તેમણે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ટાટા ટ્રસ્ટ્સનો દાવો છે કે નિયમ અનુસાર બંને નોમિની ડિરેક્ટર્સનું સમર્થન જરૂરી હતું અને પોતાના આ વલણને મજબૂત કરવા તેમણે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનો કાનૂની અભિપ્રાય પણ રજૂ કર્યો છે. બીજી તરફ, ટાટા સન્સે પૂર્વ CJI યુ. યુ. લલિત અને પૂર્વ જજ બી. એન. શ્રીકૃષ્ણના કાનૂની અભિપ્રાયો ટાંકીને પ્રસ્તાવને યોગ્ય ગણાવ્યો છે.

મીટિંગ દરમિયાન ચેરમેન એન. ચંદ્રશેખરન પોતે મતદાન અને ચર્ચાથી દૂર રહ્યા હતા અને સ્વતંત્ર ડિરેક્ટર હરીશ મનવાનીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બોર્ડના બીજા નોમિની ડિરેક્ટર વેણુ શ્રીનિવાસને ચંદ્રશેખરનની તરફેણમાં વોટ આપ્યો હતો, જ્યારે નોએલ ટાટાએ વિરોધ કર્યો હતો. વોટિંગમાં ટાઈ થતાં અધ્યક્ષના કાસ્ટિંગ વોટ  ના આધારે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નોએલ ટાટાએ હવે લીગલ ઓપિનિયન માગવાના આધાર અને પ્રક્રિયા પર પણ સવાલો ખડા કર્યા છે. ભારતના સૌથી જૂના અને વિશ્વાસપાત્ર વ્યાપારી સામ્રાજ્યમાં સર્જાયેલું આ અભૂતપૂર્વ બંધારણીય અને કાનૂની સંકટ આગામી દિવસોમાં દેશના સમગ્ર કોર્પોરેટ જગતમાં નવો વળાંક લાવી શકે છે.

(11:03 PM IST)