<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

લાલુ પરિવારમાં આંતરિક વિખવાદ? રોહિણી આચાર્યનો ભયંકર આક્રોશ: "મારી છબી ખરાબ કરવાનું કાવતરું"

બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં ઉમેદવારી અને પરિવારમાં અણબનાવની અફવાઓ પર લાલુ યાદવની પુત્રી લાલચોળ : સોશિયલ મીડિયા પર વિરોધીઓ અને મીડિયાના એક વર્ગને આકરા શબ્દોમાં ખંખેરી નાખ્યા

પટના:  બિહારના રાજકારણના સૌથી શક્તિશાળી લાલુ પરિવારમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. આરજેડી  સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યની વિધાન પરિષદ ની ચૂંટણીમાં ઉમેદવારી અને પરિવારમાં ચાલી રહેલી કથિત અશાંતિને લઈને અટકળોનું બજાર ગરમ છે. તાજેતરમાં જ પરિવારના એક કાર્યક્રમમાં રોહિણીની ગેરહાજરી બાદ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ભાઈ તેજસ્વી યાદવ સાથેના મતભેદોને કારણે તેઓ નારાજ છે. હવે આ તમામ અફવાઓ પર રોહિણી આચાર્યનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી અને આક્રમક પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યું છે કે વિરોધીઓ અને મીડિયાનો એક વર્ગ મળીને જાણીજોઈને તેમની રાજકીય અને સામાજિક છબીને ખરાબ કરવાનું મોટું કાવતરું ઘડી રહ્યા છે.

રોહિણીએ અત્યંત કઠોર ભાષાનો પ્રયોગ કરતા લખ્યું છે કે, "જેઓ ખરાબ ઇરાદા ધરાવે છે તેઓ ફરી એકવાર બદનામ થશે." તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો હાલમાં વિધાન પરિષદની ચૂંટણી લડવાનો કોઈ જ પ્લાન નથી. આ અગાઉ પણ તેમના સગીર પુત્ર અને સાસુના ચૂંટણી લડવા અંગેની ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી જે પાછળથી જુઠ્ઠી સાબિત થઈ હતી. પોતાનું વલણ સ્પષ્ટ કરતા રોહિણીએ ઉમેર્યું કે તેઓ કોઈ પદ કે લોભના રાજકારણ માટે પક્ષમાં નથી અને કોઈપણ રાજકીય ઓફર આપીને તેમનો અવાજ દબાવી શકાશે નહીં. વાસ્તવમાં, બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની હાર બાદ રોહિણીએ સંજય યાદવની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારથી જ તેજસ્વી અને રોહિણી વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચા રાજકીય ગલિયારાઓમાં ચાલી રહી છે.

બીજી તરફ, લાલુ પ્રસાદ યાદવની સિંગાપોરની મુલાકાતે આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોર્ટમાંથી પાસપોર્ટ મંજૂરી મળ્યા બાદ લાલુ યાદવ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછીના નિયમિત મેડિકલ ચેકઅપ માટે સિંગાપોર જઈ રહ્યા છે, જ્યાં રોહિણી રહે છે. પરંતુ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે લાલુ યાદવ માત્ર ઈલાજ માટે નહીં, પરંતુ પુત્રી રોહિણીની નારાજગી દૂર કરવા અને પરિવારના ઝઘડાને શાંત પાડવા સિંગાપોર જઈ રહ્યા છે. આ સાથે જ તેજ પ્રતાપ યાદવ આગામી ચૂંટણી અન્ય પ્રતીક પર લડી શકે છે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. રોહિણીની આ આકરી પ્રતિક્રિયા બાદ એટલું તો સાબિત થઈ ગયું છે કે લાલુ પરિવારની અંદર બધું બરાબર નથી ચાલી રહ્યું અને આગામી દિવસોમાં બિહારના રાજકારણમાં આ વિખવાદ નવો વળાંક લઈ શકે છે.

(6:38 PM IST)