તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પાકિસ્તાન સરકારમાં આંતરિક મતભેદઃ નવા પ્રાંતોની રચના મુદ્દે નકવી અને પીએમ સલાહકાર રાણા સનાઉલ્લાહ સામસામે
ધમકીઓથી ડરવાના નથીઃ નવા પ્રાંતો અંગે અંતિમ નિર્ણય સંસદમાં સર્વસંમતિથી જ લેવાશે તેવો સનાઉલ્લાહનો દાવો

ઇસ્લામાબાદ, તા.૨૪: પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારમાં નવા પ્રાંતોની રચનાના મુદ્દે આંતરિક મતભેદો ખુલીને સપાટી પર આવ્યા છે. ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વડાપ્રધાનના રાજકીય બાબતોના સલાહકાર રાણા સનાઉલ્લાહે ગળહમંત્રી મોહસીન નકવી પર આકરા પ્રહારો કર્યા હતા. સનાઉલ્લાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગળહમંત્રીએ નવા પ્રાંતોની રચનાના સંવેદનશીલ મુદ્દાને બિનજરૂરી રીતે વિવાદાસ્પદ બનાવ્યો છે. આ વિવાદની શરૂઆત રવિવારે ત્યારે થઈ હતી જ્યારે મોહસીન નકવીએ કોઈનું નામ લીધા વિના ચેતવણી આપી હતી કે જો તેઓ વારંવાર થતી ટિપ્પણીઓનો જવાબ આપશે, તો સંબંધિત મંત્રી માટે જાહેરમાં મોઢું બતાવવું મુશ્કેલ થઈ જશે. આ નિવેદનને રાણા સનાઉલ્લાહ સાથે જોડવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
નકવીની આ ચેતવણીનો વળતો જવાબ આપતા રાણા સનાઉલ્લાહે જણાવ્યું હતું કે તેઓ કોઈની ધમકીઓથી ડરવાના નથી અને જો નકવી જવાબ આપવા માંગતા હોય તો ચોક્કસ આપે. સનાઉલ્લાહે કટાક્ષ કરતા પ્રશ્ન કર્યો હતો કે શું ગળહમંત્રી પોતાને કાયદે-એ-આઝમ સમજે છે કે તેમના વિચારો કે ભૂમિકા પર કોઈ ચર્ચા જ ન થઈ શકે? સનાઉલ્લાહના મતે, તેમણે કયારેય નકવી પર વ્યક્તિગત ટિપ્પણી કરી નથી, પરંતુ એક મંત્રી તરીકેની તેમની કામગીરી પર સવાલ ઉઠાવવાનો તેમને પૂરો અધિકાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહીમાં અસંમતિનો જવાબ ધમકીઓથી નહીં, પરંતુ તર્ક અને દલીલોથી આપવો જોઈએ. બીજી તરફ, સનાઉલ્લાહે નવા પ્રાંતોની રચનાની પ્રક્રિયા અને ગઠબંધનના સાથી પક્ષોને વિશ્વાસમાં લેવા અંગે પણ નકવીની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી, જે યોગ્ય નથી. સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર, નવા પ્રાંતો અંગે કોઈ પણ અંતિમ નિર્ણય સંસદમાં તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિથી જ લેવામાં આવશે. આ ઉપરાંત, દેશની વ્યવસ્થા પડી ભાંગી હોવાના નકવીના નિવેદન અને ઉદ્યોગપતિઓ પાસેથી અબજો રૂપિયાની સહાય મેળવવાના દાવાઓ પર પણ સનાઉલ્લાહે આશંકા વ્યક્ત કરી હતી, જે દર્શાવે છે કે હાલ પાકિસ્તાન સરકારની અંદર જ તીવ્ર શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
