તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગ' નામ પાછળ છુપાયેલો છે ઐતિહાસિક અને રસપ્રદ ઈતિહાસ: જાણો 'લાલવાડી'માંથી કેવી રીતે બન્યું વિશ્વપ્રસિદ્ધ 'લાલબાગ'
લાલ માટી અને આંબા-ફણસના હરિયાળા બગીચાઓના સંગમથી થયેલું નામકરણ; લાલબાગચા રાજાના દરબાર પાછળની અજાણી અને રોચક ભૂતકાળની ગાથા

મુંબઈ, તા.૧૪: ગણેશોત્સવના પાવન તહેવાર દરમિયાન સમગ્ર વિશ્વમાં જેમના નામનો ડંકો વાગે છે તેવા મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા'ના દર્શન માટે દર વર્ષે કરોડો ભક્તોની મહેરામણ ઉમટી પડે છે. બૉલીવુડના સિતારા, દેશ-વિદેશના રાજનેતાઓ, મોટા ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો સુધીના તમામ લોકો 'મનોકામના પૂર્ણ કરનારા બાપ્પા'ના દરબારમાં શીશ ઝુકાવવા પહોંચે છે. પરંતુ જે લાલબાગ વિસ્તારમાં બાપ્પા વિરાજે છે, તે વિસ્તારનું નામ 'લાલબાગ' કેવી રીતે પડ્યું? આ નામકરણ પાછળ મુંબઈના નિર્માણ અને લાલ માટી સાથે જોડાયેલો એક અત્યંત રસપ્રદ ઈતિહાસ છે.
સાત ટાપુઓનું મુંબઈ અને 'લાલવાડી'ની શરૂઆત
મુંબઈ મૂળ સાત નાના-મોટા ટાપુઓનો સમૂહ હતું, જ્યાં નીચાણવાળા વિસ્તારો અને ખાડીઓને માટીથી પૂરીને રહેવા યોગ્ય જમીન બનાવવામાં આવી હતી. દાયકાઓ પહેલાં આજના લાલબાગ વિસ્તારમાં માત્ર બે-ચાર મકાનો ધરાવતી એક નાનકડી વસ્તી (વાડી) હતી, જ્યાં ફિરોઝશાહ નામના એક ગૃહસ્થ રહેતા હતા. આ નીચાણવાળા વિસ્તારને સમતલ અને પૂરણ કરવા માટે બહારથી પુષ્કળ પ્રમાણમાં ઘાટ્ટા લાલ રંગની માટી લાવીને પાથરવામાં આવી હતી. આખા વિસ્તારમાં માત્ર લાલ માટી જ દેખાતી હોવાથી સ્થાનિક લોકો આ વસ્તીને શરૂઆતમાં 'લાલવાડી' તરીકે ઓળખવા લાગ્યા હતા.
'લાલવાડી'માંથી 'લાલબાગ' બનવાની સફર
સમય જતાં લાલ માટીથી ભરેલી આ જમીન અત્યંત ફળદ્રુપ સાબિત થઈ. સ્થાનિક લોકોએ ત્યાં મોટા પાયે કેરી (આંબા), ફણસ અને સોપારીના અસંખ્ય વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. જોતજોતામાં આ નાનકડી લાલવાડી એક અત્યંત વિશાળ અને હરિયાળા બગીચા (બાગ) માં પરિવર્તિત થઈ ગઈ. લાલ માટીની ઓળખ અને હરિયાળા બાગના અદ્ભુત સંયોજનથી આ વિસ્તાર કાયમ માટે 'લાલબાગ' તરીકે ઓળખાવા લાગ્યો.
ખ્યાતનામ લેખક સુરેશ સાતપુતેના જાણીતા પુસ્તક 'સલામ લાલબાગ'માં પણ આ વિસ્તારના રસપ્રદ પરિવર્તન અને ઐતિહાસિક સફરની વિગતો વિસ્તારપૂર્વક આલેખવામાં આવી છે. આજે લાલબાગ વિસ્તાર સમગ્ર વિશ્વમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને લાલબાગચા રાજાના ભવ્ય આયોજન માટે પોતાની એક અજોડ ઓળખ ધરાવે છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
