તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
બંગાળમાં મતગણતરી પૂર્વે જબરદસ્ત રાજકીય સંગ્રામ : કોલકાતામાં મધ્યરાત્રિએ હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મમતા બેનર્જી ભવાનીપુર ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા : ટીએમસી અને ભાજપ સામસામે
સ્ટ્રોંગ રૂમમાંથી મતપેટીઓ સાથે છેડછાડના આક્ષેપ સાથે ટીએમસી નેતાઓ ધરણા પર બેઠા : ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે હારના ડરથી અફવાઓ ફેલાવાય છે : બીજી તરફ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોલકાતા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મતગણતરી કેન્દ્રો પર ભારે અફરાતફરી અને તણાવની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે, જ્યાં ટીએમસીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સંબંધિત પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં જ મતપેટીઓ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિવાદ વધતા જ મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.
*નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ બહાર ટીએમસીના ધરણા:*
કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં આવેલા સ્ટ્રોંગ રૂમની બહાર ટીએમસીના વરિષ્ઠ નેતા શશી પંજા અને કુણાલ ઘોષ ધરણા પર બેસી ગયા છે. શશી પંજાએ ચૂંટણી પંચ અને ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે કોઈ પણ પક્ષના એજન્ટોની હાજરી વગર મતપેટીઓ ખોલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ સમાન છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આખી પ્રક્રિયા પારદર્શક રીતે કેમ બતાવવામાં આવતી નથી? આ ધરણાને કારણે સ્ટ્રોંગ રૂમની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
*ભાજપના આકરા પ્રહાર અને પોલીસની ભૂમિકા પર સવાલ:*
ટીએમસીના આ વિરોધ પ્રદર્શન પર ભાજપના નેતા તાપસ રોયે આકરી પ્રતિક્રિયા આપી છે. માણિકતલા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તાપસ રોયે જણાવ્યું કે ટીએમસીના નેતાઓ આ પ્રકારે સ્ટ્રોંગ રૂમની સામે સૂત્રોચ્ચાર અને ભીડ જમા કરી શકે નહીં. તેમણે કોલકાતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે પોલીસે આ પ્રકારના વિરોધ પ્રદર્શનની મંજૂરી કેમ આપી? વધુમાં તેમણે ઉમેર્યું કે ટીએમસી પોતાની સંભવિત હાર જોઈને ડરી ગઈ છે અને તેથી જ અફવાઓ ફેલાવી રહી છે. ભાજપ પણ હવે સ્ટ્રોંગ રૂમની દેખરેખ માટે પોતાના બે પ્રતિનિધિઓને તૈનાત કરશે.
વિવિધ જિલ્લાઓમાં નિરીક્ષણ અને જીતના દાવા:
દક્ષિણ 24 પરગણા જિલ્લાની કેનિંગ પશ્ચિમ બેઠકના ટીએમસી ઉમેદવાર પરેશ રામ દાસ પણ સ્ટ્રોંગ રૂમની સ્થિતિ તપાસવા પહોંચ્યા હતા. તેમણે પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું કે ચૂંટણીના વિવિધ તબક્કાઓમાં ટીએમસીને મોટી સફળતા મળી રહી છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીમાં ટીએમસી 210 થી વધુ બેઠકો પર મજબૂત પકડ ધરાવે છે.
ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો:
સમગ્ર વિવાદમાં ટીએમસીએ સીધી રીતે ચૂંટણી પંચને પણ નિશાને લીધું છે. મતગણતરી પૂર્વે ઈવીએમ અને સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને સર્જાયેલા આ વિવાદ બાદ હવે સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં આ ગેરસમજ અને આક્ષેપો અંગે પંચ પોતાનું સ્પષ્ટીકરણ રજૂ કરી શકે છે. હાલમાં સમગ્ર બંગાળમાં મતગણતરી કેન્દ્રો પર પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
