News of Tuesday, 14th April 2026
વિયેતનામમાં ભારતીયોનું અપમાન? "ઇન્ડિયન છો તો બહાર નીકળો!"
સસ્તા વિઝા અને સુંદર ખીણોની લાલચે વિયેતનામ ગયેલા ભારતીય સહેલાણીઓ માટે 'ડ્રીમ હોલિડે' દુઃસ્વપ્ન સાબિત થયો : દુકાનદારોના અસંસ્કારી વર્તન બાદ વિયેતનામ સરકારે આપવી પડી સત્તાવાર સફાઈ

નવી દિલ્હી : વિયેતનામ હાલમાં ભારતીય પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે, પરંતુ તાજેતરના અહેવાલોએ આ સુંદર ચિત્ર પર કાળા ડાઘ લગાડી દીધા છે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલમાં જ્યારે ભારતીય પ્રવાસીઓએ તેમની સાથે થયેલા ભેદભાવની વાત કરી, ત્યારે આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. હનોઈ અને હો ચી મિન્હ જેવા શહેરોની બજારોમાં ભારતીયોને જોઈને દુકાનદારો દ્વારા "તમે ભારતીય છો તો બહાર નીકળો" જેવા અપમાનજનક શબ્દો સાંભળવા મળતા પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નોઈડાની હિના અને દિલ્હીની રિયા જેવા અનેક પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે માત્ર ભારતીય હોવાને કારણે તેમને સામાન વેચવાની મનાઈ કરવામાં આવી અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી.
આ વિવાદ જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને રાજદ્વારી સ્તરે ગરમાયો, ત્યારે દિલ્હી સ્થિત વિયેતનામ દૂતાવાસે તાત્કાલિક મેદાનમાં ઉતરવું પડ્યું. દૂતાવાસે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને ખાતરી આપી છે કે આ ઘટનાઓ માત્ર છૂટાછવાયા 'અપવાદ' છે અને આખું વિયેતનામ આવું નથી. દૂતાવાસે વધુમાં ઉમેર્યું કે ભારત અને વિયેતનામ વચ્ચેના સદીઓ જૂના મૈત્રીપૂર્ણ સંબંધો અતૂટ છે અને પર્યટન ક્ષેત્રે બંને દેશો એકબીજાના પૂરક છે. પ્રવાસીઓની સુરક્ષા અને આતિથ્ય સત્કારમાં કોઈ કમી ન રહે તે માટે સંબંધિત સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
વિયેતનામ તેની કોફી, સુંદર દરિયાકિનારા અને ઐતિહાસિક વારસા માટે જાણીતું છે, પરંતુ આ 'રેસિઝમ' (રંગભેદ) જેવી ઘટનાઓ પર્યટન ઉદ્યોગને મોટું નુકસાન પહોંચાડી શકે છે. સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ કે "ભારતીયો માત્ર ભાવતાલ કરે છે અને સમય બગાડે છે," તે વાત સહેલાણીઓના માનસ પર નકારાત્મક છાપ છોડી ગઈ છે. જોકે, વિયેતનામ સરકાર હવે ભારતીય પ્રવાસીઓનો વિશ્વાસ જીતવા માટે નવા પગલાં લઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે આગામી વેકેશન સીઝનમાં ભારતીય પ્રવાસીઓ ફરીથી વિયેતનામ પર પસંદગીનો કળશ ઢોળે છે કે પછી માલદીવ જેવો 'બહિષ્કાર' અહીં પણ જોવા મળશે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
