<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મુલાકાતને બદલે સુપ્રીમમાં અરજી દ્વારા રજૂઆત કરો: રાહુલ ગાંધી અને ખડગેને દેશના ચીફ જસ્ટીસ સૂર્યકાંતનો જવાબ; સત્તા વિભાજન અને ન્યાયિક શિષ્ટાચારનો ઉલ્લેખ

સામાન્ય નાગરિક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ, સર્વોચ્ચ અદાલતનાં દ્વાર દરેક માટે ખુલ્લાં છે અને કાયદા મુજબ તેમની રજૂઆત સાંભળવામાં આવશે.

નવી દિલ્હી: મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની મુલાકાતની વિનંતી સ્વીકારવામાં અસમર્થતા દર્શાવી છે. ચૂંટણી પંચ અને મતદાર યાદીને લગતા મુદ્દાઓ પહેલેથી સર્વોચ્ચ અદાલતમાં વિચારાધીન હોવાથી તેની ચર્ચા માટે અલગ બેઠક યોજવી ન્યાયિક શિષ્ટાચારને અનુરૂપ નહીં હોવાનું તેમણે જણાવ્યું છે.

 

મુખ્ય ન્યાયાધીશે પોતાના જવાબમાં બંધારણના સત્તા વિભાજનના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ફરિયાદ કે પ્રશ્ન હોય તો અદાલતમાં અરજી દ્વારા રજૂઆત કરી શકાય છે. સામાન્ય નાગરિક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ, સર્વોચ્ચ અદાલતનાં દ્વાર દરેક માટે ખુલ્લાં છે અને કાયદા મુજબ તેમની રજૂઆત સાંભળવામાં આવશે.

 

દિલ્હીનાં પ્રદર્શનો અને અવરજવર પરના નિયંત્રણો અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સંચાલન તેમના કાર્યક્ષેત્રનો વિષય નથી. આ નિવેદન તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સ્થાપના દિવસના કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં આપ્યું હતું.

 

અલગથી કાર્યક્રમને સંબોધતાં સૂર્યકાંતે જણાવ્યું કે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય ત્યારે અદાલતોએ હસ્તક્ષેપ કરવો જરૂરી છે. માનવ અધિકાર આયોગોએ ફરિયાદોની તપાસ કરી વ્યવસ્થાની ખામીઓ શોધવી જોઈએ. માનવીય ગૌરવમાં આરોગ્ય, ખોરાક, આવાસ, આજીવિકા અને સ્વચ્છ પર્યાવરણનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે જણાવ્યું હતું

(10:49 PM IST)