તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
ઇન્સ્ટાગ્રામનું નવું હથિયાર 'Instants': હવે સ્નેપચેટની જેમ ફોટા જોતા જ થઈ જશે ગાયબ, જાણો મેટાના આ લેટેસ્ટ પ્રયોગ વિશે
શો-ઓફ અને ફિલ્ટર્સના જમાનામાં 'રિયલ' રહેવા માટે નવી એપ લોન્ચ; ગેલેરીમાંથી ફોટા અપલોડ નહીં કરી શકાય, કેમેરાથી તુરંત ક્લિક કરીને જ મોકલવો પડશે 'ઇન્સ્ટન્ટ' ફોટો

રાજકોટ : સોશિયલ મીડિયા જાયન્ટ મેટા હવે સ્નેપચેટ અને BeReal જેવી એપ્સના યુઝર્સને પોતાની તરફ ખેંચવા માટે એક મોટો દાવ ખેલ્યો છે. ઇન્સ્ટાગ્રામે 'ઇન્સ્ટન્ટ્સ' (Instants) નામનું એક નવું ઇમેજ-શેરિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જેની ખાસિયત એ છે કે તેમાં તમે એડિટ કરેલા કે જૂના ફોટા શેર કરી શકશો નહીં. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પર વધી રહેલા દેખાડાને ઓછો કરી, મિત્રો વચ્ચે વાસ્તવિક અને કુદરતી ક્ષણોને પ્રોત્સાહન આપવાનો છે.
સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર આપણે અનેક ફિલ્ટર્સ અને એડિટિંગ પછી પરફેક્ટ ફોટો મૂકતા હોઈએ છીએ, પરંતુ 'Instants' માં આ શક્ય નથી. આ એપમાં તમારે કેમેરાનો ઉપયોગ કરીને લાઈવ ફોટો લેવો પડશે અને તે તુરંત જ શેર કરવો પડશે. તમે તમારા ફોનની ગેલેરી કે કેમેરા રોલમાંથી કોઈ પણ જૂનો ફોટો સિલેક્ટ કરી શકશો નહીં. વધુમાં, આ ફોટો કે વીડિયો સામેની વ્યક્તિ માત્ર એક જ વાર જોઈ શકશે અને તે 24 કલાકમાં આપમેળે ડિલીટ થઈ જશે.
માત્ર નજીકના મિત્રો સાથે જ કનેક્શન:
આ એપની બીજી એક મજેદાર વાત એ છે કે તે અત્યંત ખાનગી છે. તમે માત્ર એવા જ લોકોને ફોટા મોકલી શકશો જે તમારા 'મ્યુચ્યુઅલ ફોલોઅર્સ' છે, એટલે કે તમે તેમને ફોલો કરો છો અને તેઓ તમને. આનાથી યુઝર્સ પર અજાણ્યા લોકો સાથે કનેક્ટ થવાનું કે 'પરફેક્ટ' દેખાવાનું દબાણ રહેશે નહીં. આ એપમાં કોઈ ભારેખમ ફિલ્ટર્સ નહીં હોય, માત્ર સાદું ટેક્સ્ટ ઉમેરવાની સુવિધા મળશે જેથી કન્ટેન્ટ એકદમ ઓરિજિનલ લાગે.
કયા દેશોમાં શરૂ થયું ટેસ્ટિંગ?
મેટાએ હાલમાં ઇટાલી અને સ્પેન જેવા દેશોમાં આ એપનું પરીક્ષણ (Beta testing) શરૂ કર્યું છે. તે ગૂગલ પ્લે સ્ટોર પર એક અલગ એપ તરીકે ઉપલબ્ધ છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો મેટા તેને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્સ્ટાગ્રામની અંદર એક નવા ફીચર તરીકે અથવા સ્વતંત્ર એપ તરીકે લોન્ચ કરશે. આજના ડિજિટલ યુગમાં જ્યાં દરેક વ્યક્તિ પરફેક્ટ દેખાવાની રેસમાં છે, ત્યાં 'Instants' યુઝર્સને 'જેવા છો તેવા' દેખાવાની આઝાદી આપવા માંગે છે. શું ઇન્સ્ટાગ્રામનો આ નવો અંદાજ સ્નેપચેટને ટક્કર આપી શકશે? તે તો આવનારો સમય જ કહેશે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
