<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ઇન્સ્ટાગ્રામ રીલ્સે બદલ્યું ભારતીય રાજકારણનું ગણિત: તમિલનાડુથી લઈને દિલ્હી સુધી 'Gen Z' ના ટૂંકા વીડિયોનો ધમાકો; મંત્રીઓના રાજીનામાથી લઈને પીએમની રીલ્સ સુધી મોટો ફેરબદલ!

"હવે રેલીઓ નહીં, રીલ્સ નક્કી કરશે રાજકારણની દિશા": સી. જોસેફ વિજયની જીતથી લઈને CJP ના આંદોલન સુધી સોશિયલ મીડિયા એપ બની સત્તા પરિવર્તનનું સૌથી મોટું હથિયાર

ચેન્નાઈ, તા.28: ભારતીય રાજકારણમાં અત્યાર સુધી માત્ર યુવાનોના મનોરંજન માટે ગણાતી સોશિયલ મીડિયા એપ 'ઇન્સ્ટાગ્રામ' (Instagram) હવે મોટા રાજકીય તખ્તાપલટ અને નિર્ણયોનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. તમિલનાડુમાં 'ટીવીકે' (TVK) ના વડા સી. જોસેફ વિજયની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીતના માંડ ૮૦ દિવસ બાદ, આ જ પ્લેટફોર્મની શક્તિના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. ભારતીય રાજકારણના ઇતિહાસમાં આ એક એવી ઘટના છે જ્યાં કોઈ વિપક્ષી રેલી કે મીડિયા રિપોર્ટ નહીં, પરંતુ અબજો વાર જોવાયેલી ટૂંકી વીડિયો રીલ્સે કેન્દ્ર સરકારને હચમચાવી દીધી છે.
પીએમ મોદીએ પણ 'Gen Z' ને રીઝવવા અડધી રાત્રે રીલ મૂકવી પડી!
ઇન્સ્ટાગ્રામ રીલ્સની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આંદોલન પૂરું થવાના બે દિવસ પહેલા સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડધી રાત્રે (ગોબ્લિન કલાકોમાં) એક ખાસ રીલ પોસ્ટ કરવી પડી હતી. જેમાં તેમણે 'જનરલ ઝેડ' (Gen Z) યુવાનોની ભાષા અને શૈલીનો ઉપયોગ કર્યો હતો. આ રીલે ૩૦૦ મિલિયન (૩૦ કરોડ) થી વધુ વ્યુઝ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય કેબિનેટના તમામ મંત્રીઓને યુવાનો સાથે સીધા જોડાવા માટે ઇન્સ્ટાગ્રામ પર સક્રિય થવાની કડક સૂચના આપવામાં આવી છે.
'CJP' ના ૨૭ મિલિયન ફોલોઅર્સ: ભાજપ કરતાં પણ આગળ!
ચૂંટણી વ્યૂહરચના ફર્મ 'જાનસોચ કન્સલ્ટન્સી'ના સ્થાપક હમરાજ સિંહના જણાવ્યા અનુસાર, અગાઉ જે રાજકીય એજન્ડા X (ટ્વિટર) કે ફેસબુક પર સેટ થતા હતા, તે હવે ઇન્સ્ટાગ્રામ પર શિફ્ટ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, નવી અને બિન-નોંધાયેલી 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના ઇન્સ્ટાગ્રામ પર ૨૭ મિલિયન (૨.૭ કરોડ) ફોલોઅર્સ થઈ ચૂક્યા છે, જે દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના ફોલોઅર્સ કરતાં પણ ત્રણ ગણા વધારે છે. ભારતમાં હાલ પ૫૦ કરોડથી વધુ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે, જેમાંથી ૭૦% થી વધુ ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથના છે.
મુખ્યપ્રવાહના મીડિયાને પછડાટ, સીધો જનસંવાદ
સ્વતંત્ર પત્રકારોના મતે, ઇન્સ્ટાગ્રામની સૌથી મોટી ખાસિયત તેની સરળતા અને 'ઓર્ગેનિક રીચ' છે. ટ્રેન્ડિંગ મ્યુઝિક અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે બનાવવામાં આવેલી રીલ્સ ક્ષણભરમાં વાયરલ થઈ જાય છે. તેણે પરંપરાગત ટીવી મીડિયાના ફિલ્ટરને હટાવીને નેતાઓ અને દેશના યુવાનો વચ્ચે સીધો અને નિડર સંવાદ ઊભો કર્યો છે. જંતર-મંતરથી લઈને શિવાજી પાર્ક સુધી યુવાનો પોતાની વાત ખુલ્લેઆમ અને બિન્દાસ ભાષામાં રજૂ કરી રહ્યા છે.
"હવે યુવાનો દબાણમાં નથી આવતા"
નિષ્ણાતોનું માનવું છે કે, આજના 'Gen Z' યુવાનો જૂની પેઢી કરતાં વધુ ખુલ્લા વિચારો ધરાવે છે અને તેઓ કોઈ પણ સરકારી કે એજન્સીઓના દબાણ સામે ઝુકતા નથી. તમિલનાડુમાં વિજયની પાર્ટીની જીતે સાબિત કરી દીધું છે કે ઇન્સ્ટાગ્રામ પર જે ટ્રેન્ડ થઈ રહ્યું છે, તે જમીની સ્તરનો સાચો જનમત છે. જે પણ રાજકીય પક્ષ આ ડિજિટલ રિયાલિટીને સમજવામાં નિષ્ફળ જશે, તેણે ભવિષ્યમાં ભારે રાજકીય કિંમત ચૂકવવી પડશે!

(4:47 PM IST)