News of Friday, 8th May 2026
ઈન્સ્ટાગ્રામ પર પર્સનલ ચેટસ સુરક્ષિત નહિ રહેઃ મેટાએ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન હટાવ્યું
AI તાલીમ માટે તમારા ડેટાનો ઉપયોગ કરશે તેવી ભીતિથી યુઝર્સમાં ભારે રોષ

નવી દિલ્હી, તા.૮: સોશિયલ મીડિયાની દુનિયામાં આજે એક એવો ભૂકંપ આવ્યો છે જે કરોડો યુઝર્સની ઊંઘ ઉડાવી દેશે. આજથી એટલે કે ૮ મેથી, ઈન્સ્ટાગ્રામ એ તેના પ્લેટફોર્મ પરથી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા કવચ દૂર કરી દીધું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તમારી અને તમારા મિત્રો વચ્ચેની વાતચીત ફક્ત તમે બે જ વાંચી શકો છો, પણ હવે આ ભ્રમ તૂટી ગયો છે. મેટા કંપનીએ એવો તર્ક આપ્યો છે કે યુઝર્સને એન્ક્રિપ્શનમાં બહુ રસ નથી, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. હવે કંપની તમારી અંગત પળો, ફોટા અને ખાનગી વાતોને ડિજિટલ ડેટા તરીકે જોઈ શકશે.
સૌથી મોટો ભય એ છે કે આ ડેટાનો ઉપયોગ મેટા તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તાલીમ આપવા માટે કરી શકે છે. જ્યારે એન્ક્રિપ્શન હટી જાય છે, ત્યારે કંપનીના સર્વર પર તમારી ચેટ્સ પ્લેન ટેક્સ્ટ જેવી બની જાય છે, જેને કોઈપણ મશીન ર્લનિંગ મોડલ વાંચી અને વિશ્લેષણ કરી શકે છે. આ માત્ર ગોપનીયતાનો ભંગ નથી, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે. સાયબર સુરક્ષા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જે ચેટ્સ એન્ક્રિપ્ટેડ નથી હોતી, તેને હેકર્સ માટે તોડવી ખૂબ જ સરળ હોય છે. એટલે કે, હવે જો ઈન્સ્ટાગ્રામનું સર્વર હેક થાય તો તમારી વર્ષો જૂની અંગત યાદો અને ડેટા સેકન્ડોમાં જાહેર થઈ શકે છે.
એક તરફ વોટ્સએપ પર એન્ક્રિપ્શનને પોતાની તાકાત બતાવતી મેટા કંપનીનું ઈન્સ્ટાગ્રામ પર આ વિરોધાભાસી વલણ તેની બેવડી નીતિ છતી કરે છે. યુઝર્સ હવે મુંઝવણમાં છે કે શું તેમણે ખાનગી ફોટા કે સંવેદનશીલ માહિતી ઈન્સ્ટાગ્રામ ડીએમ પર શેર કરવી જોઈએ કે નહીં? ટેક જગતમાં આ નિર્ણયને પ્રાઈવસીના ડેથ વોરંટ તરીકે જોવામાં આવી રહ્યો છે. જો તમે તમારી ખાનગી જિંદગીને ખરેખર ખાનગી રાખવા માંગતા હોવ, તો હવે ઈન્સ્ટાગ્રામ પર કંઈપણ લખતા કે મોકલતા પહેલા સો વાર વિચાર કરવો પડશે, કારણ કે હવે તમારી ચેટમાં ત્રીજી આંખ એટલે કે મેટા પોતે હાજર છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
