તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
સોશિયલ મીડિયાની ઘેલછામાં માસૂમનો ભોગ: રીલ્સ બનાવવા જર્જરિત ટાંકી પર ચઢેલા મિત્રો પર મોત ત્રાટક્યું, 16 કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ એરફોર્સે કર્યું દિલધડક રેસ્ક્યુ
સીડી તૂટી પડતા એક કિશોરનું નીચે પટકાવાથી કરુણ મોત: બે મિત્રો ટાંકી ઉપર જ ફસાયા, NDRF નિષ્ફળ જતાં આખરે વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટરે આકાશમાંથી જિંદગી બચાવી

સિદ્ધાર્થ નગર : ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર જિલ્લામાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાયે પાંચ મિત્રોને મોત સાથે ભેટો કરાવી દીધો છે. કાંશીરામ આવાસ કોલોનીમાં આવેલી એક અત્યંત જર્જરિત અને ઊંચી પાણીની ટાંકી પર રીલ્સ બનાવવા ચઢેલા પાંચ મિત્રો પૈકી ત્રણ કિશોરો સીડી તૂટી પડતા નીચે પટકાયા હતા. આ ભયાનક અકસ્માતમાં સિદ્ધાર્થ નામના કિશોરનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને જોખમી સ્ટંટ કરતા યુવાનો માટે લાલબત્તી ધરી છે.
ટાંકીની સીડી તૂટી જતાં પવન અને કલ્લુ નામના બે બાળકો 16 કલાક સુધી ટાંકીની ઉપરના ભાગે જ ફસાયેલા રહ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ ગોરખપુરથી NDRFની ટીમ બોલાવવામાં આવી હતી, પરંતુ ટાંકી સુધી પહોંચવાનો રસ્તો કાચો હોવાથી અને વરસાદી માહોલને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ભારે અવરોધ સર્જાયો હતો. આખી રાત તંત્ર અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા રહ્યા હતા. અંતે જિલ્લા વહીવટીતંત્રે રાજ્ય સરકાર પાસે તાકીદે મદદ માંગતા ભારતીય વાયુસેનાના જવાનો મેદાને આવ્યા હતા અને રવિવારે વહેલી સવારે આકાશમાંથી જિંદગી બચાવવાની કવાયત શરૂ થઈ હતી.
રવિવારે સવારે 5:20 કલાકે વાયુસેનાનું શક્તિશાળી Mi-17 V5 હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આસમાની ઊંચાઈએ પવનના જોર વચ્ચે વાયુસેનાના જબાંઝ જવાનોએ માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં જ હેલિકોપ્ટરની મદદથી બંને બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. રેસ્ક્યુ બાદ બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે ગોરખપુર લઈ જવામાં આવ્યા હતા. મોતને મંત્રમુગ્ધ કરી દેનારા આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશને સૌના શ્વાસ થંભાવી દીધા હતા, પરંતુ એક મિત્રના ગુમાવવાનો શોક અને સોશિયલ મીડિયાની આ આંધળી દોટ સમાજ માટે એક ગંભીર ચેતવણી રૂપ બની રહી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
